Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

કોટડાસાંગાણી-૩ : રાજકોટ-આટકોટ-ર : ધ્રોલ-થાનગઢ ૧ ઇંચ

છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ સાથે સાયલા, તળાજા, પાલીતાણા, જસદણ, વલ્લભીપુર, લાઠીમાં અડધો ઇંચ : અન્યત્ર વરસતા ઝાપટા

રાજકોટ, તા. ૧૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને કોઇ કોઇ જગ્યાએ ભારે તો કોઇ જગ્યાએ હળવો વરસાદ વરસી જાય છે. આવા વાતાવરણ વચ્ચે કાલે સાંજથી આજે સવાર સુધીમાં રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩ ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક નદી નાળામાં પૂર આવ્યા છે.

કાલે સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ રહ્યા બાદ અચાનક મેઘરાજા તૂટી પડયા હતા અને ૩ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

જયારે રાજકોટ પણ સવારથી વાદળછાંયુ વાતાવરણ છવાયેલુ રહ્યું હતું અને ઝાપટારૂપે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસ્યો હતો અને મોડી રાત્રી સુધીમાં રાજકોટમાં ર ઇંચ વરસાદ પડયો હતો.

રાજકોટ જીલ્લાના જસદણમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો, જયારે રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપર પણ સાંજના સમયે અચાનક મેઘરાજા તૂટી પડયા હતા, તો કોઇ વિસ્તારોમાં સામાન્ય છાંટા વરસ્યા હતાં. આવી રીતે ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો.

રાજકોટ શહેરમાં સવારે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવત છે અને આવા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસી રહ્યા છે.

રાજકોટ જીલ્લાના આટકોટમાં પણ કાલે સાંજના મેઘરાજાએ મહેર કરી હતી અને ધોધમાર ર ઇંચ વરસાદ પડયો હતો. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં અને વાવણી બાદ વરસેલા વરસાદના કારણે પાકને ફાયદો થયો હતો.

જામનગર જીલ્લાના ધ્રોલ અને સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

રાજકોટ-અમદાવાદ હાઇ-વે ડોળીયા બાઉન્ડ્રી, રાજકોટ-જામનગર હાઇ-વે ઉપર ધ્રોલ પંથકમાં થોડી-થોડી વારે ભારે વરસાદ વરસતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘાવી માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે સાયલા, તળાજા, પાલીતાણા, જસદણ, વલ્લભીપુર, લાઠીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે આજે શુક્રવારે સવારે વેરાવળ, પોરબંદર, ઉનામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

આ ઉપરાંત મોરબી, હળવદ, ધોરાજી, પડધરી, લોધીકા, લીંબડી, કોડીનાર, ઉના, વેરાવળ, જામજોધપુર, કાલાવડ, સાવરકુંડલા, ભચાઉ, રાપર, ગાંધીધામ, માળીયામિંયાણા, લીલીયા, રાણપુર, ચુડા, પાટડી, લખતર, વઢવાણ, કેશોદ, જુનાગઢ, મેંદરડા, માળીયાહાટીના, ઉમરાળા, ગારીયાધાર, ઘોઘા, ભાવનગર, શિહોરમાં હળવા-ભારે ઝાપટા રૂપે વરસાદ વરસ્યો છે.

(11:56 am IST)