Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પોરબંદર કોંગ્રેસ દ્વારા ઘેરાવ બાદ સરકારે અમૃતમ કાર્ડનો વધુ જથ્‍થો ફાળવ્‍યો

પોરબંદર તા.૧૬: મા કાર્ડના પ્રશ્ને પોરબંદર કોંગ્રેસે જિલ્લા આરોગ્‍ય અધિકારીનો ઘેરાવ કરતાં તંત્રમાં દોડધામ બાદ રાજય સરકારે મા કાર્ડનો જથ્‍થો ફાળવ્‍યો હતો.

ગરીબ અને મધ્‍યમવર્ગના દર્દીઓને કેન્‍સર, કિડની અને હદયરોગની સારવાર નિઃશુલ્‍ક મળી રહે તે માટે મુખ્‍યમંત્રી અમૃતમ યોજના અમલી બનાવેલી છે. પરંતુ તંત્રની લાપરવાહી અને સંકલનનો અભાવ હોય જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર મા કાર્ડ મળતાં ન હોવાની તેમજ બાયોમેટ્રીક ફીગર મેચ થવાના અને કાર્ડનો જથ્‍થો ખલાસ થઇ જવાની તેમ ઇન્‍ટરનેટની કનેકટીવીટી મળતી ન હોવાના વિવિધ પ્રશ્નો ઉપસ્‍થિત થતાં દર્દીઓને મા કાર્ડ મળતાં ન હોય સમયસર સારવાર ન મળવાથી દર્દીઓ મુશ્‍કેલીમાં હોવાની ફરીયાદ વારંવાર ઉઠી રહી હતી.

જિલ્લા પંચાયત સ્‍થિત જિલ્લા આરોગ્‍ય અધિકારીની કચેરીએ કોંગ્રેસ અગ્રણી રામદેભાઇ મોઢવાડિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા, પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવશીભાઇ મોઢવાડિયા, કોંગ્રેસ અગ્રણીઓ પવન કોડિયાતર, દાનુભાઇ ઓડેદરા, દેવાંગ હુણ, અરભમભાઇ પરમાર, કમલેશ ચુડાસમા, કાંતિ બુધેચા સહિતના કાર્યકરો અને અગ્રણીઓએ રજુઆત કરી હતી.

રજુઆતના પગલે પોરબંદરના જિલ્લા આરોગ્‍ય અધિકારીએ ગાંધીનગર સ્‍થિત આરોગ્‍ય વિભાગના સચિવ તેમજ ડાયરેકટરોને ટેલીફોનિક વાતચીત કરીને મા કાર્ડ કાઢવામાં પડતી મુશ્‍કેલીઓ અંગે અને મા કાર્ડના ખુટી ગયેલા જથ્‍થા અંગે જાણ કરી હતી જેને ધ્‍યાને લઇ ગાંધીનગરથી મા કાર્ડનો જથ્‍થો રવાના કરી દેવામાં આવ્‍યો છે. સાથે મા કાર્ડ કાઢયા બાદ વેરીફીકેશન માટે આરોગ્‍ય વિભાગની કચેરીના કર્મચારીને બાયોમેટ્રીક ફિગરપ્રિન્‍ટ લેવામાં આવે છે. આ કામગીરી અત્‍યાર સુધી વયોવૃધ્‍ધ કર્મચારીને સોંપવામં આવી હોય તેમના ફિગરપ્રિન્‍ટ મેચ થતાં ન હોય તેમના સ્‍થાને કોંગ્રેસની રજુઆતના પગલે બીજા કર્મચારીની નિમણૂંક જિલ્લા આરોગ્‍ય અધિકારીએ કરેલ છે.

(2:09 pm IST)