Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

પોરબંદર જિલ્લામાં જનસેવાની યોજનાઓની અમલવારી માટે તંત્ર કટિબધ્‍ધઃ કલેકટર

રાણાવાવમાં જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ શ્રેષ્‍ઠ કામગીરી માટે નાગરિકોનું સન્‍માનઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા

પોરબંદર તા.૧૫, પોરબંદર જિલ્લાકક્ષાના સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી આન-બાન-શાન સાથે રાણાવાવ સરકારી વિનયન કોલેજના પટાંગણમાં કરવામાં આવી હતી. કલેકટરશ્રી મુકેશ પંડ્‍યાએ તિરંગાને સલામી આપી પરેડ નિરિક્ષણ કર્યું હતું. ૭૨માં સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે આવેલા નાગરીકોને અભિવાદિત કરી કલેકટરશ્રીએ જણાવ્‍યું હતુ કે દેશની આઝાદી માટે બલીદાન વ્‍હોરનારા ક્રાંતિવિરોને વંદન કરૂ છું. કલેકટરશ્રીએ રાષ્ટ્રની પ્રગતિમાં યુવાનોનો ફાળો મહત્‍વનો છે તેમ જણાવી ગુજરાત સરકાર દ્રારા યુવા અને મહિલા સશ્‍કિતકરણ થકી રાજયના વિકાસ માટે નવા સોપાનો સિધ્‍ધ કરવામાં આવ્‍યા છે.

કલેકટરશ્રીએ રાજય સરકારની સંવેદના, નિર્ણાયકતા અને કટીબધ્‍ધતા સાથેની પ્રજાભિમુખ નીતિનો ઉલ્લેખ કરીને કહયું કે, રાજયમાં જન વિકાસની અનેરી સિધ્‍ધ હાંસલ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં રાજય સરકારની અનેક યોજનાની અમલવારી કરીને કરવામાં આવેલ વિકાસ કામોનો ઉલ્લેખ કરીને કલેકટરશ્રીએ જણાવ્‍યું હતું કે, પોરબંદર જિલ્લામાં સહુના સહિયારા પ્રયાસથી ૧૩૧ તળાવો સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન અંર્તગત ઉંડા કરી પાંચ લાખ દ્યન મીટર પાણી સંગ્રહીત કરવાની કામગીરી કરવામાં આવી છે. જેને મુખ્‍યમંત્રીશ્રીએ બિરદાવી હતી. વિકેન્‍દ્રીત જિલ્લા આયોજન હેઠળ રૂ.૧૩૨૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૬૦૧ કામ મંજુર કરવામાં આવ્‍યા છે. જેમાંથી માર્ચ સુધીમાં ૩૮૯ કામો પુર્ણ કરવામાં આવ્‍યા છે.

આરોગ્‍ય ક્ષેત્રે ૧.૩૬ લાખ બાળકોની તપાસણી કરી ૯૦૦૦ થી વધુ બાળકોને સ્‍થળ ઉપર જ સારવાર કરવામાં આવી હતી. જિલ્લામાં કસ્‍તુરબા પોષણ સહાય યોજના હેઠળ ૨૪૦૦ લાભાર્થીઓને રૂ.૪૮ લાખથી વધુ સહાય આપવામાં આવી છે. જિલ્લામાં મા અમૃતમ યોજના અંતર્ગત ૧૦૭૯૬ નવા કાર્ડ અપાયા છે અને ૧૦૫૪ લાભાર્થીને રૂ.૬૮ લાખથી વધુ સહાય આપવામાં આવી છે. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર હેઠળ જિલ્લામાં ધો.૧ થી ૪ ના કુલ ૨૨૬૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ.૬૭ લાખ ૭૭ હજારની સહાય આપવામાં આવી છે. જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્રારા શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે. વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૦૬ દિવ્‍યાંગોને ઓળખ કાર્ડ અપાયા છે. જિલ્લામાં મહાત્‍મા ગાંધી નરેગા યોજના અંતર્ગત અત્‍યાર સુધીમાં ૨.૪૯ લાખ માનવદિન ઉત્‍પન્ન થયેલ છે. જેની પાછળ કુલ ૪૯૪.૯૧ લાખનો ખર્ચ થયેલ છે. રાષ્ટ્રપતિશ્રીનાં હસ્‍તે પોરબંદર જિલ્લાને સ્‍વચ્‍છતા દર્પણ સ્‍પર્ધા અંતર્ગત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવતા પ્રમાણપત્ર અને ઈનામ આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ છે. પોરબંદર શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં ખંભાળા પાણી પુરવઠા યોજનામાં પાણી સીપેજ અટકાવવા રૂ.૭૫૦ લાખના ખર્ચે ડેમ મજબુતીકરણનું કામ કરવામાં આવશે. આ ઉપરાંત રાણાવાવ તાલુકાના આશીયાપાટ ગામે રૂ.૬૦ લાખના ચેકડેમ બનાવવામાં આવશે. ઉપરાંત રાણાવાવના હનુમાનગઢ ગામે અંદાજે રૂ.૧ કરોડના ખર્ચે ચેકડેમનું કામ પુર્ણ થયેલ છે. જિલ્લામાં કૃષિ ઉત્‍પાદનમાં વધારો થાય તેમજ ખેડૂતો સમૃધ્‍ધ બને તે માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે તે મુજબ તેલીબીયા પાક ઉગાડતા ખેડૂતોને બિયારણ ખરીદીમાં રૂ.૭ લાખ ૫૮ હજાર તથા તાડપત્રી ખરીદીમાં રૂ.૪ લાખ ૨૪ હજાર તેમજ અન્‍ય દ્યટકો માટે કુલ મળીને રૂ.૧૭ લાખ ૩૨ હજારની સહાય આપવામાં આવી છે.

 કલેકટરશ્રીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. ખુ્‌લ્લી જીપમાં લોકોને અભિવાદિત કર્યા હતા. આ વેળાએ એસ.પી. શ્રી પાર્થરાજસિહ ગોહિલ, અને પ્‍લાટુન કમાન્‍ડર શ્રી એમ.જે. ઝાલા સાથે રહયા હતા. કલેકટરશ્રીએ પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારનાર શ્રી ભીમાભાઈ લખમણભાઈ ખુંટી, ૧૮૨ જેટલા વર્લ્‍ડ રેકોર્ડ નોંધાવનાર જયેશ હિગંળાજીયા રમત-ગમત ક્ષેત્રે શ્રી અંજલીબેન સલેટ, વિશાલ કાણકીયા, ધવલ હોદાર, રાણાભાઈ શીડા, જેસલભાઇ કડછા, નાથાલાલ સીસોદીયા, કિરિટભાઇ રાજપરા સહિતના શ્રેષ્ઠ કામગીરી કરનાર અગ્રણીઓને પ્રમાણપત્ર આપીને સન્‍માન કર્યું હતું. સ્‍વચ્‍છ વિદ્યાલય અંતર્ગત ભોરાસર સીમશાળા સહિતની સારી કામગીરી કરનારી શાળાઓના પ્રતિનિધિઓને  પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. રાણાવાવ તાલુકાના વિકાસ કામો માટે રૂ.૨૫,૦૦,૦૦૦/-નો ચેક ડી.ડી.ઓશ્રી ને અર્પણ કરવામાં આવ્‍યો હતો. સેવાકીય કામગીરી કરનાર ૧૦૮ના કર્મયોગીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કસતુરબા વિદ્યાલયની બાળાઓની કૃતિ પ્રથમ ક્રમે આવતા તેમજ દ્રિતિય અને ત્રૃતિય ક્રમે વિજેતા ગ્રુપને પણ સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું.

        ધ્‍વજવંદનના આ કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેશભાઈ મોરી, અગ્રણીશ્રી કરશનભાઈ ઓડેદરા, નગરપાલીકાના પ્રમુખ ઓસ્‍માણભાઈ, તાલુકા પંચાયતના અગ્રણીઓ, ડી.ડી.ઓશ્રી અજય દહિયા, અધિક કલેકટરશ્રી એમ.એચ.જોષી તેમજ પ્રાંત અધિકારીશ્રી પ્રજાપતિ ઉપરાંત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, પત્રકારો, કર્મચારીઓ તેમજ નાગરીકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(2:09 pm IST)