Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભાજપ શાસિત રાજયોમાં શૌચાલય નિર્માણમા ભ્રષ્‍ટાચારઃ વિરજીભાઇ ઠુંમરના પ્રહારો

અમરેલી-સાવરકુંડલા તા.૧૬: વડાપ્રધાન સ્‍વતંત્રતા દિવસ નિમિતે દિલ્‍હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી કરેલું ભાષણ આગામી મહિનાઓમાં દેશના વિવિધ રાજયોમાં યોજાનાર વિધાનસભાની ચુંટણી અને ત્‍યારબાદ આગામી વષર્એ યોજાનાર લોકસભાની ચુંટણીને નજરમાં રાખીને પ્રજાને ગુમરાહ કરનારૂં ભાષણ હોવાનો ગંભીર આક્ષેપ લગાવતા ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં શૌચાલયોના નિર્માણનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમાં કેટલો ભ્રષ્‍ટ્રાચાર થયો છે તેનો ઉલ્લેખ કરવાનું સિફતપૂર્વક ટાળ્‍યું છે.

શ્રી ઠુંમરે વધુમાં જણાવ્‍યું કે, દેશના ભાજપ શાસિત રાજયોમાં થયેલા શૌચાલયોના નિર્માણમાં થયેલા ભ્રષ્‍ટ્રાચારની રાજય સરકારો અને કેન્‍દ્ર સરકારને કેટલી ફરીયાદો મળી અને કેટલી ફરીયાદોની તપાસ કરાવરાવી અને કેટલી ફરીયાદોમાં તથ્‍ય જણાઇ આવ્‍યું અને કેટલા કસુરવારો સામે પગલા ભર્યા તેનો ઉલ્લેખ કર્યો નથી તે બતાવે છે કે શૌચાલયોના નિર્માણમાં થયેલા ભ્રષ્‍ટ્રાચારને ભાજપ શાસિત રાજય સરકારો અને કેન્‍દ્ર સરકાર છાવરે છે છતાં ખોટા આંકડાઓ રજુ કરીને પ્રજાને ગેરમાગે દોરે છે.

શ્રી ઠુંમરે મોદી સરકારને ખુલ્લો પડકાર ફેંકતા વધુમાં જણાવ્‍યું છે કે, દેશના ૨૯ રાજ્‍યો અને ૭ કેન્‍દ્ર શાસિત પ્રદેશો પૈકી એકમાત્ર ગુજરાતમાં જ સુપ્રિમ કોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશની સીધી દેખરેખ હેઠળનું એક ઉચ્‍ચ સ્‍તરીય તપાસ પંચ નીમવામાં આવે અને ગામે-ગામ શૌચાલયોમાં કેટલો ભ્રષ્‍ટ્રાચાર થયો છે કે કેમ? તેની સર્વગ્રાહી તપાસ કરાવવામાં આવે તો દેશની જનતાને સાચો ખ્‍યાલ આવે કે મોદીજીના શૌચાલયોમાંથી ભ્રષ્‍ટ્રાચારની કેટલી તીવ્ર દુર્ગધ આવે છે.

દેશના ૨૯ રાજ્‍યો અને ૭ કેન્‍દ્ર શાસિત પ્રદેશો પૈકી એકમાત્ર ગુજરાતની જ વાત કરૂં તો રાજયમાં સંખ્‍યાબંધ ગામો એવા છે કે જયાં સતાધારી પક્ષના આગેવાનો અને કાર્યકરો તથા કોન્‍ટ્રાકટરો અને સરકારો અમલદારોની મિલીભગતથી શૌચાલયોના નામે પોત-પોતાના ઘરની તિજોરીઓ ભરી છે, તેમાં લેશપાત્ર શંકા નથી મને સંપૂર્ણ વિશ્વાસ અને પાક્કી ખાતરી છે કે વડાપ્રધાન મોદીજી મારો આ પડકાર નહી ઝીલે.

તેમજ ૭૨માં સ્‍વાતંત્રતા દિવસ નિમીતે ૪૦ રૂપિયે પેટ્રોલ આપવાની જાહેરાત કરી હતી તે પેટ્રોલ અડધો લીટર હતું કે કેમ? અને ડોલરના વધતા ભાવ કાબુમાં લાવવાના બદલે ૭૨ વર્ષે ૭૨ રૂપિયાનો ડોલર અને હજુ બીજા ૫ વર્ષ માંગે છે ત્‍યારે શું ડોલરને ૮૦ વર્ષની લોકશાહી કરવા માંગે છે જેનો પણ દેશના લોકોને અધિકાર છે અને તેનો પણ ખુલાસો કરે તેવું શ્રી ઠુંમરે અંતમાં જણાવ્‍યું

(2:03 pm IST)