Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઐતિહાસિક પડઘલિયા મહાદેવ મંદિરે ૧.૫૧ લાખ બિલીપત્ર સાથે પૂજા થશે

પવિત્ર શ્રાવણ માસની આસ્‍થાભેર ઉજવણી થશે

 

ભાવનગર તા.૧૫ :કોળીયાક પાસેના ઐતિહાસિક પડદ્યલીયા મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસની ભાવભક્‍તિભેર ઉજવણી કરાશે.મહંત વિલાસગીરી બાપુના માર્ગદર્શન તળે સેવકગણ દ્વારા તૈયારી હાથ ધરાઈ છે. ભાવનગરના શૈલેષ દાદા પંડીત મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે પ્રથમ સોમવાર   પડદ્યલીયા મહાદેવને મહાઅભિષેક સાથે સમગ્ર માસ દરમિયાનમાં ૧.૫૧ લાખ બિલીપત્ર ચડાવાશે. તા.૧૮ શનિવારથી તા.૨૪ને શુક્રવાર સુધી લધુરૂદ્ર યજ્ઞ અને દરરોજ સવાર બપોર સાંજ વિવિધ ફળોના દ્રવ્‍યોનો અભિષેક કરાશે. તા.૨૮ મંગળવારે પંચકુંડી મહાયજ્ઞ અને મહા અભિષેક સાથે અન્નકૂટ દર્શન, પ્રસાદ વિતરણ તેમજ બટુક ભોજન યોજાશે. ભાવિકોને લાભ લેવા અનુરોધ છે.

દર વર્ષે શિવલીંગને ઉતરે છે પડ

ભાવનગર જિલ્લામાં સમુદ્ર મધ્‍યે આવેલું નિષ્‍કલંક મહાદેવનું સ્‍થાનક જાણીતું છે. આવું જ ઐતિહાસિક બીજુ એક શિવાલય નજીકના જ હાથબ ગામે આવેલું છે. લોકવાયકા મુજબ હાથબના શિવાલયમાં રહેલ શિવલિંગનું પડ દર ૧ર વર્ષે આપ મેળે ઉતરે છે જેમ સર્પને કાંચળી ઉતરે એમ મહાદેવજી પણ પડ ઉતારે છે. આથી જ આ જગ્‍યાનું નામ પડધરીયા મહાદેવ પડ્‍યું છે. સમય જતાં નામ અપભ્રંશ થતા પડદ્યરીયામાંથી હાલ પડદ્યલીયા મહાદેવ તરીકે બોલાય છે. ભાવનગરથી ર૪ અને કોળિયાકથી ૪ કી.મી.ના અંતરે આવેલું આ સ્‍થાનક ઐતિહાસિક છે. આ મંદિરમાં શિવલિંગ સાડાત્રણ ફૂટની ઊંચાઈ ધરાવે છે. આથી અહીં ભાવિકોએ ઉભા રહીને પૂજા કરવી ફરજિયાત બને છે. એક માન્‍યતા અનુસાર બહાર છે એનાથી સાત ગણી જમીનમાં (ર૦ ફૂટથી પણ વધુ ઊંડે સુધી) આ શિવલિંગ દટાયેલી છે. ભૂતકાળમાં શિવલિંગની ઊંડાઈનો ભેદ પામવા ખોદકામ થતા અસંખ્‍ય ભમરાઓ નીકળતા ખોદકામ પડતું મૂકવું પડ્‍યું હતું તેવી પણ લોકવાયકા સાભળવા મળે છે. પડદ્યલીયા મહાદેવ મહાભારત કાળનું પૌરાણિક શિવાલય માનવામાં આવે છે. શ્રાવણમાસમાં અહીં ભકતોની ભીડ જામે છે

(1:17 pm IST)