Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દેવભુમી દ્વારકા જિલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની કલ્‍યાણપુરમાં ઉજવણીઃ કલેકટર જે.આર. ડોડીયાના હસ્‍તે ધ્‍વજવંદન

દ્વારકા-ખંભાળીયાઃ રાષ્‍ટ્રના ૭૨માં સ્‍વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજે કલ્‍યાણપુરની કે.કે. દાવડા હાઇસ્‍કૂલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી જે.આર. ડોડીયાએ દેશની આન બાન અને શાન સમા રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવી સલામી આપીને માર્ચપાસ્‍ટનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે કલેકટરશ્રીએ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયેલ સોૈને શુભેચ્‍છા પાઠવી દેશની સ્‍વાતંત્ર્ય ચળવળમાં જોડાઇને મા ભોમની આન બાન અને શાન જાળવવા માટે જેમણે જાન કુરબાન કરી છે તેમનું સ્‍મરણ કરી મહાત્‍મા ગાંધીજી, સરદાર પટેલ, શ્‍યામજીકૃષ્‍ણ વર્મા તથા નામી અનામી વીરોને યાદ કર્યા હતા. તેમણે જણાવ્‍યું કે સ્‍વતંત્રતા પ્રાપ્તી બાદ રાષ્‍ટ્રે વિવિધ ક્ષેત્રોમાં જે પ્રગતિ સાધી છે તેમાં ગુજરાતનો સિંહ ફાળો છે. આ પર્વમાં જિલ્લા પોલીસ, હોમગાર્ડસ તથા એનસસીસીની પ્‍લાટુનો દ્વારા પરેડ નિદર્શન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્‍કૂલના ૫૦૦ બાળકો દ્વારા યોગ નિદર્શન તથા વિવિધ સ્‍કૂલના બાળકો દ્વારા રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતાં.  આ તકે સ્‍વાતંત્ર સેનાનીઓના કુટુંબીજનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જિલ્લાની ૪ સ્‍કૂલોને સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર પેટે ૧૦ થી ૧૫ હજાર સુધીની રકમ આપવામાં આવી હતી. ૧૦૮માં ઉત્‍કૃષ્‍ટ કામગીરી બદલ ગોવિંદભાઇ બાંભણીયા તથા વિક્રમભાઇનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્‍માનવામાં આવ્‍યા હતા તેમજ જુનાગઢ ખાતે વાર્ષિક ફાયરીંગ પ્રેકટીસમાં પ્રથમ આવેલ દેવભુમી દ્વારકાની જયાબેન ભેટારીયાને પ્રશસ્‍તીપત્ર આપવામાં આવ્‍યું હતું.

 રાજય સરકાર તરફથી કલ્‍યાણપુર તાલુકાના વિકાસ માટે રૂા. રપ લાખનો ચેક કલેકટરશ્રી ડોડીયા દ્વારા પ્રાંત અધિકારીશ્રી જાડેજાને અર્પણ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમના અંતે કલેકટરશ્રી તથા મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ રાષ્‍ટ્રીય કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કાળુભાઇ ચાવડા, કલ્‍યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પીઠાભાઇ વારોતરીયા, સરપંચ પુજાબેન બેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાવલ, જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ, નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, અગ્રણીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(1:12 pm IST)