Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ચોટીલામાં ઝવેરચંદ મેઘાણી સ્‍મારક સંકૂલ વિકાસ પામશેઃ વિજયભાઇ રૂપાણી

રાષ્‍ટ્રીય શાયરનાં ઐતિહાસિક જન્‍મસ્‍થળની મુલાકાત લઇને ભાવાંજલી અર્પીઃ મેઘાણીના ગીતોની રમઝટ

રાજકોટ - ચોટીલા તા. ૧૬ : સ્‍વાતંત્ર દિનની પૂર્વ-સંધ્‍યાએ ગુજરાતના સાહિત્‍ય-સંસ્‍કૃતિ-પ્રેમી મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ચોટીલા સ્‍થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્‍મસ્‍થળની મુલાકાત લઈને ભાવાંજલિ અર્પણ કરી. ઝવેરચંદ મેઘાણીની ૧૨૨મી જન્‍મજયંતી આગામી ૨૮ ઓગસ્‍ટે છે તેથી આનું સવિશેષ મહત્‍વ રહ્યું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણીનું ભાવભર્યું સ્‍વાગત કર્યું. ખાસ ભરૂચથી આવેલા ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે મેઘાણી-ગીતો દ્વારા સ્‍વરાંજલિ અર્પણ કરી હતી.

મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્‍ની અને મહિલા અગ્રણી અંજલિબેન રૂપાણી, ગુજરાત સરકારના મંત્રી અને સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, સુરેન્‍દ્રનગરના સાંસદ દેવજીભાઈ ફતેપુરા, સુરેન્‍દ્રનગરના ધારાસભ્‍ય ધનજીભાઈ પટેલ, ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ વી.પી. પટેલ (આઈએએસ) અને કમિશ્નર સતિષભાઈ પટેલ (આઈએએસ), સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ (આઈએએસ), પૂર્વ-સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ-ધારાસભ્‍ય વર્ષાબેન દોશી, સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્‍ય મેરૂભાઈ ખાચર, અગ્રણીઓ દિલીપભાઈ પટેલ, સુરેશભાઈ ધરજીયા, શૈલેષભાઈ ઉપાધ્‍યાય, હિતેન્‍દ્રસિંહ ચૌહાણ અને ભૂપતભાઈ ખાચર, સુરેન્‍દ્રનગર જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ અને સહયોગી જગદીશભાઈ પટેલ, ચોટીલા એજયુકેશન એન્‍ડ ચેરીટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર (મામા), ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી (રાણપુર), વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ શાહ, નેશનલ યુથ પ્રોજેક્‍ટના રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ), મિહિરસિંહ રાઠોડ (ભરૂચ), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ) સહિત મોટી સંખ્‍યામાં નગરજનો, સાહિત્‍યપ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્‍થિત રહ્યા હતા.           

લોકલાગણીને માન આપીને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલમાં જ આ ઐતિહાસિક ઈમારતનો જીરર્ણોધ્‍ધાર કરવામાં આવ્‍યો છે તે બદલ પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્‍યો હતો. જન્‍મસ્‍થળનાં આ ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્‍ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્‍યાઓને સાંકળીને ભવ્‍ય ‘સ્‍મારક-સંકુલ' તરીકે વિકસાવવામાં આવે અને આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અઘતન દ્રશ્‍ય-શ્રાવ્‍ય-મલ્‍ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત સંશોધન-કેન્‍દ્ર, ગ્રંથાલય અને વાચન-કક્ષ, ઓડીટોરિયમ, ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા પણ સ્‍થાપિત કરવામાં આવે તેવી લોકલાગણીને પણ પિનાકી મેઘાણીએ મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ સાદર રજૂ કરી હતી. ઐતિહાસિક જન્‍મસ્‍થળ ‘સ્‍મારક-સંકુલ'તરીકે વિકાસ પામશે તેવી લાગણી મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્‍યકત કરી હતી તથા આ અંગે ઉપસ્‍થિત અધિકારીઓને સૂચન પણ કર્યું હતું. 

મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. ઝવેરચંદ મેઘાણીનું જીવન-કવન નવી પેઢી માટે પ્રેરણાદાયી છે. સાહિત્‍ય, લોકસાહિત્‍ય, પત્રકારત્‍વ તેમ જ આઝાદીની લડતમાં ઝવેરચંદ મેઘાણીનું અનન્‍ય અને મહામૂલું પ્રદાન ક્‍યારેય વિસરાશે નહીં તેમ તેઓએ લાગણીભેર જણાવ્‍યુ હતુ. પિનાકી મેઘાણી દ્વારા આલેખિત ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું માહિતીસભર પ્રદર્શન તથા ‘મેઘાણી-સાહિત્‍ય'કોર્નરને પણ રસપૂર્વક નિહાળ્‍યું હતું. સ્‍વાતંત્ર દિનનાં વિવિધ કાર્યક્ર્‌મોમાં અતિ-વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ મુખ્‍ય મંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ લાગણીથી પ્રેરાઈને આવ્‍યા હતા. તેઓનું સાલસ, સરળ અને પ્રેમાળ વ્‍યક્‍તિત્‍વ સહુને સ્‍પર્શી ગયું હતું.

મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્‍યકાર, લોકસાહિત્‍યકાર, સ્‍વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણી પોતાને પહાડનું બાળક'તરીકે ઓળખાવતા. ઝવેરચંદ મેઘાણીનો જન્‍મ ૨૮ ઓગસ્‍ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્‌મ સંવત ૧૯૫૨)ના દિવસે સુરેન્‍દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્‍વાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્‍સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. લગભગ ૧૫૦ વર્ષ જેટલું પુરાણુ આ ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળિયું છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍ય મંત્રી અને ભારતના હાલના પ્રધાન મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૧૦માં સ્‍વર્ણિમ ગુજરાત'ની ઊજવણી અંતર્ગત ૧૧૪મી મેઘાણી-જયંતીએ સહુપ્રથમ વખત જન્‍મસ્‍થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું હતું. પોતાના દાદાજી ઝવેરચંદ મેઘાણીના જીવન-કવનથી નવી પેઢી પરિચિત તેમજ પ્રેરિત થાય તે માટે સતત કાર્યશીલ પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના ૮૦ વર્ષીય માતા કુસુમબેન મેઘાણી આ ઐતિહાસિક જન્‍મસ્‍થળ જીવંત સ્‍મારક તરીકે વિકાસ પામે તે માટે સવિશેષ પ્રયત્‍નશીલ છે. જન્‍મસ્‍થળની પાસે આવેલ નવનિર્મિત પોલીસ સ્‍ટેશનનું ૨૦૧૫માં ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ ભવન'તરીકે નામકરણ પણ થયું છે.

(10:38 am IST)