Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કાલે સુરેન્દ્રનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના ૨ દિવસ ઝાલાવાડમાં : કડક પોલીસ બંદોબસ્ત

વઢવાણ તા. ૧૪ : કાલે સુરેન્દ્રનગરમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની રાજ્યપાલ ઓ.પો.કોહલી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના આજથી બે દિવસ સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન બનનાર છે.

સુરેન્દ્રનગર શહેરમાં ૧૫ મી ઓગસ્ટ-૨૦૧૮ના ૭૨માં સ્વાતંત્ર્ય દિનની રાજયકક્ષાની ઉજવણી થનાર છે. જે અન્વયે રાજયના રાજયપાલશ્રી આજરોજ એટહોમ કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે પધારનાર છે. તેમજ મુખ્યમંત્રીશ્રી આજરોજ યુવા સંમેલન - સુરેન્દ્રનગર એટહોમ કાર્યક્રમ સુરેન્દ્રનગર, સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા પધારનાર છે. રાજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ઝેડ પ્લસ પ્રોટેકટી સુરક્ષા કવચ ધરાવતા હોય છે. તેમની મુલાકાત દરમ્યાન ટ્રાફિક સમસ્યા વિકટ ન બને તે અનુસંધાને ટાવરથી હેન્ડલુમ ચોક સુધી તેમજ જેલ ચોક થી માઈ મંદિર સુધીનો વન વેમાંથી ટુ વે જાહેર કર્યો છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અંદાજીત રૂપિયા ૧૨.૩૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ દૂધ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના સ્તંભ ઉપર રાજય સરકારે ગુજરાતની પ્રજાના કલ્યાણ માટેનો યજ્ઞ આરંભ્યો છે. રાજયના વિકાસને ગતિ મળે સાથો સાથ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં લોકો સહભાગી બને તે માટે રાજય સરકારે ગાંધીનગર ખાતે ઉજવાતા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જિલ્લાઓમાં હાથ ધરીને લોકોને વિકાસ પર્વોમાં જોડયા છે.

મંત્રીશ્રીએ ગુજરાત સરકારે ગૌ હત્યાને અને ગૌ વંશની હત્યાને અટકાવવા અમલી બનાવેલ કાયદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આ કાયદા અન્વયે કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારીની પરવાનગી વિના ગૌ વંશની હેરાફેરી કરતાં પકડાશે તો તેનું વાહન રાજયસાત કરાશે. તથા ગૌ વંશની હત્યા કરનારને આજીવન કેદ તથા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ, રાજકોટ રેન્જ આઈ. જી. શ્રી સંદિપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિન્દરસિંહ પવાર, અગ્રણીઓ સર્વશ્રી  દિલીપભાઈ પટેલ, જગદિશ મકવાણા, અનિરૂધ્ધ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઘનશ્યામભાઇ સાવધરિયા, સુરાભાઈ રબારી, તનકસિંહ, ભીખુભા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયાં હતા.

(3:48 pm IST)