Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ૨૦૧૨ની ચૂંટણી સમયે નોંધાયેલા મારામારી કેસમાં નિદોર્ષ

રાજકોટઃ તા.૧૬, ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ ટેમુભા જાડેજાનો વર્ષ ૨૦૧૨ની ચૂંટણીલક્ષી મારામારીના કેસમાં શંકાનો લાભ આપી ગોંડલની નીચેની અદાલતે નિર્દોષ ઠરાવ્યા છે.

પ્રાપ્ત માહીતી મુજબ સને-૨૦૧૨ ની વિધાનસભાની ચુંટણી હોય જે આ કામના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ભાજપ પક્ષે ઉમેદવારી નોંધાવેલ હોય અને સામાપક્ષે જીપીપીના ઉમેદવાર ગોરધનભાઈ ઝડફીયાનાઓ ચુંટણી લડતા હતા. વિધાનસભા ચુંટણી મતદાન પુર્ણ થયે ગોડલ તાલુકાના નાગડકા ગામે પટેલો અને રજપુતો વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો.

 જે સબબ માજી ધારાસભ્ય જયરાજસિંહને જાણ થતા તેઓ નાગડકા ગામે ગયેલા હતા. જયાં રાજેશ લાલજી સખીયા, અશોક લાલજી સખીયા, ભવાન લીંબા સાવલીયા, મેહુલ ભવાન સાવલીયા, વિજય લક્ષ્મણ સાવલીયા તથા સંજય લક્ષ્મણ સાવલીયા વિગેરે ૧૫ થી ૨૦ જજ્ઞા ગંભીર પ્રકારના હથીયારો ધારણ કરી ફરીયાદી ઘેલાભાઈ ટપુભાઈ ડાભી (રજપુત)ના ઘરે જઈ પોલીંગ એજન્ટ રાખવા સબંધે માર મારી ગંભીર પ્રકારની પગના ફેકચરની ઈજા પહોચાડેલ હતી. તેમજ અન્ય દરબાર શખ્સ મયુરસિંહ ઝાલા કે જેઓ ટ્રાવેલ્સના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ જાડેજાના મિત્ર હોય ઘેલાભાઈને મદદરૂપ થવા સમાધાન કરાવવા નાગડકા ગામે ગયેલ હતા. જયાં આરોપીઓએ મયુરસિંહ ઝાલાને ગાલ ઉપર ધારીયા જેવા હથીયારથી ઈજા પહોચાડેલ હતી. જે સબંધેનો ગુનો ઘેલાભાઈ ડાભી દ્વારા ગોડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતો અને એજ પ્રકારે સામાપક્ષે આર.ટી.આઈ.એકટીવીસ્ટ રાજેશ લાલજી સખીયાનાઓના ધર્મપત્ની તૃષાબેન સખીયા દ્વારા પણ ઘેલાભાઈ રજપુત તથા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ અન્ય આશરે-૫૦ માણસોના ટોળા સામે મારામારીની વળતી ફરીયાદ કરેલ હતી.

જે બંને ગુનાના કામે આરોપીઓની ધરપકડ થયેલી અને ગુનાનુ ચાર્જશીટ નામદાર નીચેની અદાલત ગોંડલ ખાતે દાખલ કરવામાં આવેલ હતુ. બાદમાં સદર કેસમાં બંને પક્ષે રાજકીય વ્યકિતઓ હોય નામદાર જ્યુડી.મેજી. ફ.ક.શ્રીમતી પ્રિયા દુવાના સમક્ષ કેઈસ ચાલી જતા માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના એડવોકેટ નરેન્દ્રસિંહ જે.ઝાલા ઘ્વારા પોતાની ધારદાર દલીલો અને લેખીતમાં જરૂરી પુરાવાઓ રજુ કરી અદાલતને માજી ધારાસભ્ય જયરાજસિંહની બનાવ સ્થળની હાજરી શંકાશીલ હોય તથા તેમના ઘ્વારા કોઈને પણ કોઈ જ પ્રકારની ઈજા પહોંચાડવામાં આવેલ ન હોય માત્ર રાજકીય રાગદ્રેષથી હાલનો ગુનો તેઓની સામે દાખલ કરવામાં આવેલ હોય તેવુ સ્પષ્ટ પણે ફલીત થતુ હોય જે ધ્યોને લઈ અંદાજીત આશરે-૯ વર્ષ જેટલી લાંબી લડતના અંતે આજરોજ તા.૧૬/૭/૨૦૨૧ ના રોજ નામદાર નીચેની અદાલત દ્વારા માજી ધારાસભ્ય સહીત તમામ સાત આરોપીઓને શંકાનો લાભ આપીઈ.પી.કો.કલમ-૩રપ, ૩ર૪, ૫૦૪, ૫૦૬(ર), ૪૪૮, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટની કલમ-૧૩૫ મુજબના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

અત્રે જોવાનુ એ છે કે, સદર કેસ માજી ધારાસભ્યની સામેનો હોય અને નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી લોકપ્રતિનિત્વ ધારાની જોગવાઈઓ લાગુ પડતી હોય જેથી સ્પે.પી.પી.ની નિમણુંક સરકાર પક્ષે કરવામાં આવેલી હતી અને કેસ ડે ટુડેના બેઈજ ઉપર ચલાવવામાં આવેલ હતો.

(4:27 pm IST)