Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા વાસણભાઇ આહિર

જૂનાગઢ જિલ્લામાં કાર્યરત પ્રવાસન વિકાસ કામોની સમીક્ષા

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ,તા.૧૬:  પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આજે ગિરનાર પર બિરાજમાન માં અંબાના દર્શન પુજન કર્યા હતા. મંત્રીશ્રીએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રોપ-વેના માધ્યમથી માં અંબાના દર્શન કરી તેમણે પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે જૂનાગઢમાં કાર્યરત પ્રવાસન વિકાસના કામોની સમીક્ષા કરી હતી. જૂનાગઢ સ્થિત ઉપરકોટ અને મકબરાની કામગીરીની વિગતો મેળવી રોપ-વે થતા પ્રવાસન સુવિધામાં થયેલ વધારા સહિતની તલસ્પર્શી વિગતોથી તેઓ માહિતગાર થયા હતા.

માં અંબાના દર્શન બાદ તેમણે રાજસ્થાનના યાત્રીક સુશીલકુમાર અગ્રવાલ અને મોરબીથી આવેલા રમેશભાઇ પટેલના પરિવારની પણ મુલાકાત કરી હતી. રોપ-વેના માધ્યમથી માતાજીના દર્શને આવેલા આ પરિવારોનએ સરકાર દ્વારા રોપ-વે સહિતની પ્રવાસીઓ માટે નિર્માણ કરાયેલ સુવિધાઓ અંગે સંતોષની લાગણી વ્યકત કરી સીનીયર સિટીઝનોને પણ હવે માતાજીના દર્શનનો લાભ મળશે તેમ જણાવ્યું હતું.

પ્રવાસન રાજય મંત્રી વાસણભાઇ આહિરે ભવનાથ ખાતે ભારતી આશ્રમમાં બ્રહ્મલીન પૂ.ભારતીબાપુના સમાધી સ્થળના દર્શન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. મંત્રીશ્રીએ ગોરખનાથ આશ્રમ ખાતે શેરનાથ બાપુ દ્રવારા ભાઇશ્રી રમેશભાઇ ઓઝા આયોજીત  ગિરનારી ભાગવત કથાનુ પણ શ્રવણ કર્યું હતું.મંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા,શ્રીદાદુભાઇ કનારા,જેઠાભાઇ પાનેરા સાથે રહ્યા હતા.

(12:44 pm IST)