Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભાવનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે નવતર વિરોધઃ સેન્ચ્યુરીના રેકોર્ડ બદલ સન્માન

પોલીસ સાથે ઝપાઝપીઃ આતશબાજી-મિઠાઇ વિતરણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૬ :.. ભાવનગર સહિત દેશભરમાં પેટ્રોલના ભાવ સતક પુરૂ કરતા અને મોંઘવારી અને ભાવ વધારા માટે સરકારને જવાબદાર ઠેરવી શુભેચ્છા આપી આતશબાજી અને પેંડા વિતરણ કરી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના આગેવાનોએ નરેન્દ્ર મોદી અને ક્રિકેટર સચિન તેડુંલકરના કટઆઉટ બનાવી ફુલહાર કરી શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તે મુજબ શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો મહાનુભાવોનું ફુલહાર કરી સન્માન કરે તે પૂર્વે જ પોલીસ તંત્ર દ્વારા કટઆઉટ ઝૂટવી લેવામાં આવ્યા હતાં. જયારે કોંગ્રેસના આગેવાનોએ પેટ્રોલના ભાવ વધારા સામે દેખાવો યોજયા હતાં. મહિલા કોંગ્રેસના આગેવાનોએ થાળીઓ અને તેલના ખાલી ડબ્બા વગાડી દેખાવો યોજયા હતાં. જયારે કોંગ્રેસના કાર્યકરોએ ઘોઘા ગેઇટ ચોકમાં આતશબાજી અને પેંડા વિતરણ કરી દેખાવો કરતા હતા તે વેળાએ પોલીસ તંત્રએ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની અટકાયત કરી ત્યારે ઝપાઝપી થઇ હતી. સ્થાનીક ગંગાજળીયા પોલીસ મથકમાં લઇ જવાયા હતાં.

આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, ભાવ. મ્યુનિ. વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, પુર્વનેતા જયદીપસિંહ ગોહીલ, પારૂલબેન ત્રિવેદી, દર્શનાબેન જોષી સહિતના કોંગ્રેસના નગરસેવકો, પદાધિકારીઓ, હોદેદારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

(11:42 am IST)