Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓચિંતુ ચેકીંગ : ૧૬ મકાન માલિકોને નોટીસ

૧૬ મકાન ભાડે આપેલ હોય જેથી દરેકને ૫૦૦૦ ના દંડ સાથે ૭ દિ'ની નોટીસ અપાઇ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૬ : મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે પાલિકા તંત્ર દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૬૮૦ મકાન ચેક કરવામાં આવતા ૧૬ મકાનો ભાડે આપવામાં આવેલ હોય તેવું ધ્યાને આવતા તમામ ૧૬ મકાનને નોટીસ ફટકારી ૫૦૦૦-૫૦૦૦ રૂ દંડ ફટકારવામાં આવ્યો છે.

 

મોરબીમાં કેનાલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજે પાલિકા તંત્રએ સવારે ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થાનિકોએ મકાન ભાડે આપવામાં આવતા હોવાની ફરિયાદને પગલે ૨૦ ટીમો એકી સાથે ઉતરી હતી અને ચેકિંગ કરાયું હતું. જેમાં આવાસ યોજનામાં આવેલ ૬૮૦ મકાનો ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી ૨૭૬ મકાનો બંધ મળી આવ્યા હતા જેને નોટીસ ફટકારવામાં આવી હતી.

જયારે બાકીના મકાનો પૈકી ૧૬ મકાનો ભાડે આપેલ હોય તેવું સામે આવ્યું હતું આવાસ યોજના ફાળવણી સમયે સનદની શરતો અને યોજનાની શરતોનો ભંગ કરીને લાભાર્થી આવાસ ભાડે આપી સકતા ના હોય છતાં ભાડે આપી શરતોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા તમામ મકાનને ૫૦૦૦-૫૦૦૦ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.

મોરબીના આવાસ યોજના ખાતે ભાડે મકાન આપેલ હોય તેવા ૧૬ આવાસોમાં નોટીસ ફટકારી ૫૦૦૦ રૂ દંડ ફટકારાયો છે તેમજ દંડની રકમ ૭ દિવસમાં મોરબી નગરપાલિકા કચેરી ખાતે ભરવાની રહેશે અને દંડ ભર્યા બાદ ભાડે આપેલ વ્યકિતને દિવસ ૫ માં આવાસ ખાલી કરાવીને દિવસ ૭ માં સૂચિત આવાસમાં રહેવા જવાનું રહેશે જે નોટીસ આપ્યાના દિવસ ૭ માં દંડ ભરવામાં વિલંબ થશે કે દિવસ ૭ માં આવાસમાં રહેવા નહિ જાય તો મળેલ આવાસ પાલિકા કચેરી દ્વારા નિયમોનુસાર જપ્ત કરવાની કાર્યવાહી કરાશે તેમ પણ ચીફ ઓફિસરે નોટીસ ફટકારી જણાવ્યું છે.

(11:38 am IST)