Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ખંભાળીયા ખાતે ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા તા. ૧૬ :  ખંભાળીયા સ્થિત જિલ્લા સેવા સદ્દનના સભાખંડ ખાતે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને 'ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી'ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અનેક લોકસુખાકારી યોજનાઓ કાર્યવંત છે, આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આ બેઠક દ્વારા આયોજન અને અમલ બંનેની સમીક્ષા કરી લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

વધુમાં તેમણે જિલ્લામાં કાર્યરત કેન્દ્ર સરકારની યોજનાઓની વિસ્તૃત સમીક્ષા પણ કરી હતી, તેમજ આ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે યોગ્ય પરામર્શ કરી જરૂરીયાતમંદ લોકોને યોજનાઓનો સમયસર લાભ મળી રહે તે માટે સૂચનો પણ કર્યા હતા. આ ઉપરાંત કોરોનાની સંભવીત ત્રીજી લહેરના અગમચેતી પગલારૂપે શહેરી અને ગ્રામ્યકક્ષાએ વેકિસનેશ તેમજ સંવેદનશીલ જૂથ જેવા કે, સગર્ભા, બાળકો અને ધાત્રીમાતાઓ માટે આગોતરા આયોજનની ચર્ચા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજયની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, એમ.જી.એન.આર.ઈ.જી.એ., નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન, દિન-દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી (ગ્રામીણ)આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ડ્રીકીંગ વોટર પ્રોગ્રામ,ફસલ વીમા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સર્વ શિક્ષા અભિયાન, ડીઝીટલ ઈન્ડીયા વગેરે જેવી વિવિધલક્ષી લોકઉપયોગી યોજનાઓની કામગીરીની સમીક્ષા ગંભીરતાપૂર્વક થાય તે માટે ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનીંટરીંગ કમિટીની રચના કરીને આ બેઠકનું આયોજન કરવામાં આવે છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એમ.જાની, પ્રાંત અધિકારીશ્રી જામ-ખંભાળીયા અને દ્વારકા, ડી.આર.ડી.એ. નિયામકશ્રી બી.એન.ખેર, રેલ્વે વિભાગના ડી.આર.એમ.શ્રી ભાવનગર અને રાજકોટ તથા ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન મોનીટરીંગ કમીટીના સભ્યોશ્રી તેમજ પદાધિકારીઓશ્રી અને અધિકારીઓશ્રી ઉપસ્થિત રહ્યાં હતા.

(11:33 am IST)