Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગેરકાયદેસર ભરતી કરવા માટેનું પોરબંદર પાલિકાનું મહાકૌભાંડ

એક તો સરકારી ભરતી થતી જ નથી અને જે થાય છે તેમાં પણ કૌભાંડો : નગરપાલિકાના નિયામકની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે આ ભરતી કરીને એક વર્ષના ૧.૩૪ કરોડ પગાર પેટે ચુકવી ગેરરીતી કરવામાં આવી

પોરબંદર, તા. ૧૫ : નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૨૧ રોજમદાર કર્મચારીઓની ભરતીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ આગેવાન દ્વારા દ્રારા સરકારના ઓડિટ રિપોર્ટના આધારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નગરપાલિકાના નિયામકની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે આ ભરતી કરીને એક વર્ષના ૧.૩૪ કરોડ રૂપિયા પગાર પેટે ચુકવી ગેરરીતી કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૩૨૧ રોજમદાર કર્મચારીની ભરતીને લઈને પોરબંદર જિલ્લા કોંગ્રેસના અગ્રણી રામદેવ મોઢવાડિયાએ રાજ્ય સરકારના ઓડિટ રિપોર્ટના આધારે ગંભીર આક્ષેપો કર્યા છે.તેઓએ એવુ જણાવ્યુ હતુ પાલિકાના મહેકમથી ૩૨૧ જેટલા વધુ ફિક્સ કર્મચારીઓની ભરતી કરાઈ હતી.આ ગેરકાયદેસર રીતે કર્મચારીઓને પગાર પેટે એક વર્ષના ૧.૩૪ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ પાલીકાના મેહકમનું લઘુતમ માળખું તેમજ માપદંડ નક્કી કરવામાં આવેલ છે. જેમાં વધારાની જગ્યાની ભરતી કરવા માટે પાલિકા નિયામકની પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે.

               કૌભાંડ કરવાના આશયથી ૩૨૧ જેટલા કર્મચારીઓની ભરતી કરતા પહેલા અધિકારીઓ અને પદાધિકારીઓએ નગરપાલિકા નિયામકની મંજૂરી લીધી નથી અને કર્મચારીઓની ભરતી કરી પાલિકાની તિજોરીને ૧.૩૪ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.અમુક કર્મચારીઓ રાજકીય પક્ષના સભ્યો ઠેકેદાર તથા પોલીસ ચોપડે ચડ્યા હોય તેવા કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ગેરકાયદેસર રોજમદારની ભરતીને નાણાકીય ઉચાપત ગણીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પણ કોંગ્રેસ અગ્રણી દ્રારા કરવામાં આવી છે. પોરબંદર નગરપાલિકાની ૨૦૧૭-૧૮મા રોજમદારની ભરતીને લઈને કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે મુદ્દે પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફીસરે એવુ જણાવ્યુ હતુ કે,પોરબંદર-છાંયા સયુક્ત નગરપાલિકામા વર્ગ ૩ માટે ૨૨૩ જેટલી જગ્યાઓ મંજુર કરેલ છે જેની સામે હાલમાં કાયમી અને આઉટ સોર્સિંગ સહિત ૧૭૩ લોકો કામ કરી રહ્યા છે જ્યારે વર્ગ ચાર માટે ૪૧૬ જગ્યાઓ મંજુર થયેલ છે જેની સામે ૬૩૬ જેટલા લોકો કામો કરી રહ્યા છે આમાં ૩૦૦ જેટલા લોકો આઉટ સોર્સિંગ દ્વારા કર્મચારી કામ કરી રહ્યા છે આમ છતા નગરપાલિકાની આર્થિક સ્થિતિને સદ્ધર બને તે માટે ૫૦થી ૫૨ લોકોને નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવ્યા છે. પોરબંદર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રોજમદારની ભરતીને લઈને હાલ તો મામલો ગરમાયો છે ત્યારે હાલ તો પાલિકાએ ૫૦થી ૫૨ જેટલા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં રોજમદાર ભરતી વિવાદ મુદ્દો ક્યા પહોંચે છે અને જે કરોડો રૂપિયાનો પાલિકાને ચુનો લગાવવાની વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે તેને લઈને આગળ પાલિકા દ્વારા કોઈ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.

(10:36 pm IST)