Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મોરબીના લગધીરપુરમાં પાણી માટે સરપંચ અને અન્ય એક શખ્સ રૂ. ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયા

રાજકોટ, તા. ૧૬ :. મોરબી જિલ્લાના લગધીરપુરમાં સરપંચ અને અન્ય એક શખ્સ પાણી માટે રૂ. ૨૦ હજારની લાંચ લેતા ઝડપાઈ જતા સનસનાટી મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લાના લગધીરપુર ગામના સરપંચ જગદીશભાઈ જાદવ અને અન્ય એક શખ્સ પોકરલાલ વેણીરામ ગુર્જરએ સરકારી પડતર જમીનમાં બોર કરીને તેમાથી પાણી કાઢીને ગામની આજુબાજુની સિરામીકની ફેકટરીઓમાં પીવાનુ પાણી પોતાના ટેન્કરો દ્વારા વિતરણ કરતા હતા.

ત્યારે ગામના સરપંચ જગદીશ જાદવે ગામના પાણીના બોરનો ઉપયોગ કરવા માટે રૂ. ૩૦ હજારની માંગણી ફરીયાદી પાસે કરી હતી. જેમાંથી ૭ જુલાઈના રોજ ૧૦ હજાર રૂપિયા આપી દીધા હતા. બાકીના રૂ. ૨૦ હજાર આજે ચુકવવાના હતા જેથી ફરીયાદી એસીબીમાં જાણ કરી હતી.

એસીબીએ મોરબી જિલ્લાના લગધીરપુરમાં આવેલ ખોડીયાર હોટલમાં છટકુ ગોઠવીને સરપંચ વતી લાંચ સ્વીકારનાર પોકરલાલ વેણીરામ ગુર્જરની ધરપકડ કરી છે. જ્યારે સરપંચ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરી જામનગર એસીબીના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર પી.વી. પરગડુએ સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક એસીબી રાજકોટના એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ કરી હતી. જેમાં જામનગર અને મોરબી એસીબી ટીમે પણ કામગીરી કરી હતી.

(4:25 pm IST)