Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પૂજનમાં ભકિત ભાવ અને એવોર્ડમાં આદર ભાવઃ પૂ.ભાઇશ્રી

પોરબંદર સાંદીપની વિદ્યા નિકેતનમાં ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સાન્દીપની ગુરૂ ગૌરવ એવોર્ડ એનાયતઃ શિક્ષણમાં ગિજુભાઇ ભરાડને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ અને ચૈતન્યભાઇ ભટ્ટ અને સોનલબેન ભટ્ટને ગુરૂ ગૌરવ એવોર્ડ

જુનાગઢ તા. ૧૬ :.. સાન્દીપનિ વિદ્યા નિકેતન પોરબંદરમાં ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પૂજય ભાઇશ્રીની નિશ્રામાં વર્ષ ર૦૧૯ ના સાન્દીપનિ ગુરૂ ગૌરવ એવોર્ડ સમારોહ યોજાયો હતો. અને પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પ્રેરક ઉદબોધનમાં જણાવેલ કે પૂજય ભાઇશ્રીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે પૂજય ભાઇશ્રીએ જણાવ્યું કે કર્મથી માણસ દેવ બને અને કર્મથી દાનવ બને.

મનવા તું રાવણ તું રામ. ગુરૂને આપણે દેવની કોટિમાં મુકયા છે. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ. કર્મ થકી જે દેવ થાય તેને એવોર્ડ ન હોય તેનું 'ભાવપૂજન' થાય. એવોર્ડમાં સન્માનનો ભાવ છે જયારે પૂજનમાં ભકિતનો ભાવ છે. એવોર્ડમાં આદરનો ભાવ છે ભકિતપૂર્વક ભાવપૂજન કરીએ  તેમાં દીનતાનો ભાવ છે.

શિક્ષણ જગતમાં અને વિજ્ઞાનના ક્ષેત્રે વર્ષોથી કાર્ય કરનાર રાજકોટના ગીજુભાઇ ભરાડને પૂજય ભાઇશ્રીના વરદ હસ્તે અને અન્ય શિક્ષણ શાસ્ત્રીઓની ઉપસ્થિતીમાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આદર્શ ગુરૂ ગૌરવ એવોર્ડ રાજકોટ જિલ્લાની લોક મિત્ર સંસ્થા જે ઢંઢૂકી ગામમાં ચાલે છે. તેના પ્રણેતા ચૈતન્યભાઇ ભટ્ટ તથા સોનલબહેન ભટ્ટને અર્પણ થયો.

શ્રેષ્ઠ વિદ્યા મંદિર એવોર્ડ હિંમતનગરની વિશ્વ મંગલમ અનેરા... ઓકદરાના ગોવિંદભાઇ રાવળ અને સુમતિ બહેન રાવળને અર્પણ કરાયો હતો.

પૂજય ભાઇશ્રીના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવ આપતા ગિજુભાઇ ભરાડે તેમને મળેલા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અંગે સંસ્થાની આભાર માનતા જણાવ્યું હતું કે આ એવોર્ડ સ્વીકારતા મને આનંદ થઇ રહ્યો છે.

શ્રી ગીજુભાઇ ભરાડે આ સમારોહમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી એક વર્ષમાં રમેશભાઇ ઓઝા (પૂજય ભાઇશ્રી)નાં વર્ષ ર૦ર૦ ના એકત્રીસમી ઓગસ્ટે આવતા જન્મદિને વિવિધ વિષયો પર પ્રગટ થયેલા અંગ્રેજી ભાષાનાં ૩૬પ પુસ્તકોનું ભાવવાહી શૈલીમાં હિન્દીમાં અનુવાદ કરી આ બધા પુસ્તકો ઇ-બુક રૂપે ઇન્ટરનેટ પર મુકવા નિર્ધાર જાહેર કરું છું. મારા સદ્ગત ધર્મપત્ની ચંપા બહેનનું સુચન એવું હતું કે મારે આ અંગે ભાઇશ્રીની કોઇ સેવા અર્પણ કરવી તેના ફળ સ્વરૂપે મારો આ નિર્ણય જાહેર કરું છું.

વિશ્વમંગલમ અનેરાના ઉતમ વિદ્યા મંદિર એવોર્ડની સ્વીકાર કરતી વખતે સુમતિબહેને જણાવ્યું કે આ એવોર્ડ ભાઇશ્રીના હસ્તે સ્વીકારતા મારું હૃદય ભરાઇ આવે છે.

આદર્શ ગુરુ ગૌરવ એવોર્ડનો સ્વીકાર કરતા શ્રીમતી સોનલબહેને જણાવ્યું કે સારા કામોની કદર કરવાનો આ ઉપક્રમ છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર જી. સી. આર. ટી.ના ડાયરેકટર સી. એચ. જોષીએ પ્રવચન કર્યુ હતું.

શિક્ષણ શાસ્ત્રી ઘનશ્યામ મહેતાએ કાર્યક્રમની ભૂમિકાને અને સ્વાગત પ્રવચન કર્યુ હતું. હાર્દિક જોષીએ કાર્યક્રમનું ભાવવાહી શૈલીમાં સંચાલન કર્યુ હતું.

ગૌરવ એવોર્ડ સમારોહ પહેલા સવારના સત્રમાં મહેન્દ્રભાઇ ચોટલીયા, ગીજુભાઇ ભરાડ, સી. એચ. જોષી, ચૈતન્ય ભટ્ટ જેવા શિક્ષણ શાસ્ત્રીઓ દ્વારા શૈક્ષણીક સેમિનારમાં બોલતા પૂજય ભાઇશ્રીએ છેલ્લા ૧ર વર્ષથી અધ્યાપકોના સન્માનનું અનુષ્ઠાન ચાલતું રહ્યું છે.

(11:57 am IST)