Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મતદાન પહેલા જ કોંગ્રેસે જૂનાગઢ કોર્પોરેશન ભાજપને ભેટમાં ધરી દીધું !!

કોંગ્રેસના કુલ ૧૧ ઉમેદવારોના સમર્થનથી ભાજપની જીત આસાન

જુનાગઢ, તા. ૧૬ : કોંગ્રેસના કુલ ૧૧ ઉમેદવારોએ મતદાન અગાઉ જ ભાજપનું શરણુ લઇ લેતા જુનાગઢ કોર્પોરેશન કોંગ્રેસે ભાજપને ભેટમાં ધરી દીધું હોવાન રાજકીય ઘાટ સર્જાયો છે અને હજુ કોંગ્રેસને રાજકીય નુકશાન થવાની શકયતા જોવાઇ રહી છે.

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે ર૧ જુલાઇએ મતદાન થવાનું છે જેના આડે પાંચ જ દિવસ બાકી રહ્યા છે જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો જાય છે તેમ ભાજપની રાજકીય તાકાત મજબુત થતી જાય છે અને કોંગ્રેસની સ્થિતિ દયાજનક થઇ રહી છે.

મનપાના ૧પ વોર્ડની ૬૦ બેઠકો માટે ભાજપની જેમ કોંગ્રેસે ૬૦ ઉમેદવારો જાહેર કર્યા હતાં.

ઉમેદવારોની યાદીની જાહેરાત થાય તે પહેલા જ કોંગ્રેસમાં રાજકીય ધમાસાણ શરૂ થઇ ગયું હતું. ટિકીટ ફાળવણીના મુદ્દે નારાજ થઇ શહેર કોંગ્રેસના પ્રમુખપદેથી વિનુભાઇ અમીપરાએ રાજીનામુ આપી દીધું હજુ અને ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પ્રદેશ નેતાગીરી સામે જાહેરમાં નારાજગી વ્યકત કરી હતી.

કોંગ્રેસની ટિકીટ ફાળવણીને લઇ શરૂ થયેલ રાજકીય ધમાસાણના કારણે પક્ષમાં પ્રવર્તતો આંતરિક વિવાદ-અસંતોષ સપાટી પર આવી ગયો હતો. આ પછી જે થયું તેનાથી કોંગ્રેસની સ્થિતિ મનપા ચૂંટણી જંગમાં નબળી પડવી શરૂ થઇ ગઇ જેના પરિણામે કોંગ્રેસે મતદાન પહેલા જ જૂનાગઢ કોર્પોરેશન ગુમાવી દીધું હોવાનું મનાય છે.

ગઇકાલે મનપા ચૂંટણી સંદર્ભે પ્રદેશના કોંગ્રેસના નેતાઓ સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કરી રહ્યા હતાં તે જ સમયે વોર્ડ નં.૧૩ના કોંગી ઉમેદવાર લક્ષ્મણભાઇ રાવલીયાએ ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા હતાં. તેઓએ ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી દીધો હતો.

આમ કોંગ્રેસના ૬૦ ઉમેદવારોમાંથી ગઇકાલ સુધીમાં કુલ ૧૧ ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કરી દેતા હવે કોંગ્રેસના ૪૯ ઉમેદવારો મનપાના ચૂંટણી જંગમાં રહ્યા છે જેના પરિણામે કોંગ્રેસની સ્થિતિ આ ચૂંટણીમાં ખૂબ જ દયાજનક થઇ ગઇ છે.

આગામી ૧૮ જુલાઇ સુધીમાં હજુ કોંગ્રેસના ૬થી ૭ ઉમેદવારોને ખેડવવાના મુડમાં ભાજપ હોવાનું જાણવા મળે છે.

કોંગ્રેસના નેતાઓનો આંતરિક જુથવાદ, વિખવાદ હાલ ચરમસીમાએ હોય જેથી કોંગ્રેસને પરાસ્ત કરવાની ભાજપે મોટી સફળતા હાંસલ કરી લીધી હોવાનું જણાય છે.

જુનાગઢ કોર્પોરેશનમાં શાસન જાળવી રાખવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ પ્રભારી ગોરધનભાઇ ઝડફીયા, નીતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મીરાણી, પ્રદીપભાઇ ખીમાણી વગેરે નેતાઓ જે રીતે મહેનત કરી રહ્યા છે તે જોતા ભાજપને જૂનાગઢ મનપા ચૂંટણીમાં ૪પ બેઠક તો મળવાની નક્કી થઇ ગઇ હોવાનું મનાય રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી જાતે જુનાગઢ મનપાની ચૂંટણીના રાજકીય દાવ-પેચ માટે માર્ગદર્શન આપી રહ્યા હોય તેથી સામા પક્ષે કોંગ્રેસ ક્રમશઃ આઉટ થઇ રહ્યું છે અને તેની રાજકીય સ્થિતિ વધુ ડામાડોળ થઇ ગઇ છે.

(12:01 pm IST)