Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જોડિયા તાલુકાના મોજે ભાદરા ગામમાં ખનીજ ચોરી અટકાવવા ગ્રામજનો સાથે મંત્રી જાડેજાની ચર્ચા

બાદનપર ગીતા વિદ્યાલયમાં લોકપ્રશ્ને ચર્ચા સભા યોજાઇ કુડગામને પાણી ઘાસચારાનો પ્રશ્ન ઉકેલવા જાડેજાની ખાત્રી જામનગર બાળલગ્ન મુકત સમાજ માટે કાર્યશાળા યોજાઇ

જોડીયા તાલુકાના ભવરા ગામના ચોરે ખનીજચોરી અટકાવવા રાજયમંત્રી જાડેજા દ્વારા લોકો સાથે ચર્ચા યોજાઇ હતી તે પ્રસંગની તસ્વીર. બીજી તસ્વીરમાં કુનડ ગામે પાણી ઘાસચારાના પ્રશ્નો માટે ચર્ચા સભા યોજાયેલ તે પ્રસંગની તસ્વીર.

જામનગર તા.૧૬ : રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા લોકહીત માટે સતત કાર્યરત રહી લોકોના પ્રશ્નોના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેનું વધુ એક ઉદાહરણ ગઈકાલે જોડિયાના મોજે ભાદરા ગામ ખાતે જોવા મળ્યું. ભાદરા ગામમાં વર્ષોથી ગેરકાયદેસર ખનીજચોરીનો  પ્રશ્ન વણઉકલ્યો છે. મોજે ભાદરા ખાતે વર્ષોથી નદીના વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ચોરી થતી આવી છે આ માટે અનેક પગલાં લેવાયા હોવા છતાં પણ જાણે માફિયાઓ થોડા સમયાંતરે ફરી પાછા ખનીજ ચોરીની પ્રવૃત્ત્િ। કરવાનું શરૂ કરી દે છે. આ વણ- ઉકેલાયેલા પ્રશ્નના નિવારણ માટે મોજે ભાદરા ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધારાસભ્યશ્રી રાવજીભાઇ પટેલ દ્વારા સભા યોજવામાં આવી હતી.

આ સભામાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખનીજ ચોરી અટકાવવા માટે સરકાર પ્રતિબદ્ઘ છે. સરકારના દ્વારા કાયદેસર ખનીજ માટેના બ્લોક બનાવાયા છે પરંતુ હાલમાં તેમાં માલ ન હોવાથી તે બ્લોક પણ હવે બંધ કરી દેવાયા છે. આ સમયે ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીની પ્રવૃત્ત્િ। બંધ કરાવવા તંત્રના અધિકારીઓ, પોલીસની ટીમ સતત વોચ રાખી રહી છે પરંતુ આ સાથે જ ગ્રામજનો પણ આ ખનીજચોરી રોકવા માટે સહયોગ આપે તો જ આ દૂષણને સંપૂર્ણપણે મિટાવી શકાશે. આગામી દિવસોમાં આવુ કોઈ પણ કૃત્ય થાય તો તે વ્યકિત કે સમુહ વિરૂધ કાયદેસર રીતે કડક પગલાં લેવામાં આવશે.

આ સભામાં જોડિયાના ભાજપ પ્રમુખ જેઠાભાઈ, ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ, તાલુકા પંચાયતના સભ્યશ્રી ચિરાગભાઈ વાંક, જોડિયાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જોડીયા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ, કેશવજીભાઈ ભંડેરી, રાજેશભાઈ પેઢરીયા, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 બાદનપર ગામની શ્રી ગીતા વિદ્યાલયમાં ચર્ચા સભા

લોકપ્રશ્નના નિવારણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

લોક સેવા એ જ પ્રભુ સેવા પ્રભુ સેવા એવા વિચાર સાથે લોકોના પ્રશ્નોના નિવારણ માટે હર હંમેશ જાગૃત રહેતા અને પ્રયત્નશીલ રહેતા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ખાતે લોકો સાથે ચર્ચા સભા યોજાઈ હતી. જેમાં બાદનપર ગામના લોકોનો પીવાના પાણીનો અને સિંચાઈ માટે પિયત કરવા માટે પાણીની આવશ્યકતા અંગેના પ્રશ્ન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જોડિયા તાલુકો ગત વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે હાલ અછતનો અનુભવ કરી રહ્યું છે ત્યારે બાદનપર ગામના લોકોએ પોતાના પીવાના પાણીના પ્રશ્ન માટે મંત્રીને રજૂઆત કરી હતી તેના હલ માટે અને અન્ય પ્રશ્નો આ બાબતે પણ લોકોને મળી અને તેમની વચ્ચે રહીને આ પ્રશ્નોના નિવારણની કામગીરી અન્ન અને નાગરીક પુરવઠાના રાજય મંત્રીશ્રી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ ૭૭ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

આ ચર્ચા સભામાં બાદનપરના અગ્રણીશ્રી શંકરસિંહ જયરામભાઈ ભીમાણી, જોડીયા તાલુકાના ભાજપ પ્રમુખ જેઠાભાઇ અઘેરા, તાલુકા ભાજપ પ્રમુખ ચિરાગ વાંક, સરપંચશ્રી રતિભાઈ સંતોકી તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને મામલતદારશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

 જોડીયા ગામના લક્ષ્મીપરા ખાતે પ્રશ્નોના સમાધાન અર્થે સભા યોજાઈ

રાજય સરકાર લોકોની નાનામાં નાની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ઘ છે.

જામનગર જિલ્લાના જોડીયા ગામના  લક્ષ્મીપરા ખાતે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોકોની જીવન જરૂરી આવશ્યકતાઓને પરિપૂર્ણ કરવા સભા યોજવામાં આવી હતી. જેમાં લોકોએ વીજળીના પ્રશ્નને પ્રાથમિકતા સાથે ઉકેલવાની માગણી  કરી હતી તેમજ જોડીયા બંધારા યોજના, ભૂગર્ભ ગટરનો પ્રશ્ન, ઊંડ ૨દ્ગક્ન કેનાલના પ્રશ્નો તેમજ મસાણીયા ચેકડેમના રીપેરીંગ કામ અંગેના કાર્ય બાબતે મંત્રીશ્રીને આવેદન પણ આપ્યું હતું. મંત્રીશ્રી દ્વારા પ્રશ્નોને નિવારવા અંગેની ખાતરી આપી હતી તેમજ અને કોઈપણ પ્રશ્નો બાબતે આગળ પણ રૂબરૂ સંપર્ક કરી રજૂઆત કરવા માટે જણાવ્યું હતું.

આ સભામાં ૭૭ ગ્રામ્ય વિધાનસભાનાઙ્ગ ધારાસભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ, જોડીયા ગામના માજી સરપંચશ્રી વલ્લભભાઈ ,જોડિયા તાલુકા પંચાયતના સભ્યશ્રી સુરેશભાઈ વકીલ, ગ્રામ પંચાયતના સદસ્યશ્રી અશોકભાઈ કાનાણી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કુનડ ગામના પાણી અને પશુઓના ઘાસચારાના પ્રશ્નો ઉકેલાશે

જામનગર જિલ્લાના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુનડ ગામ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ૭૭ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા ગામના પાણી અને પશુઓના દ્યાસચારાના પ્રશ્નના ઉપાય અર્થે લોક સંપર્ક કરાયો હતો.

આ સભામાં વરસાદની ખેચ અને ગત વર્ષમાં પણ અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકા જોડીયાના કુનડ ગામના પશુપાલકોને દ્યાસચારાના પ્રશ્નો તેમજ સાથે જ રેતીચોરી બાબતના પ્રશ્ન માટે પણ લોકો વચ્ચે રહી મંત્રીશ્રી દ્વારા ચર્ચા સભા યોજાઈ હતી. આ ચર્ચા સભામાં ગ્રામ લોકો દ્વારા પાણી પ્રશ્ન કેનાલની સફાઈ તેમજ રેતી ચોરી બાબતે ૨૦૧૨ના પરિપત્રને ટાંકીને દરિયાનો ખારાપાટ ન વધે તે માટે કાયદેસર પણ રેતીખનનના બ્લોક ન અપાય તેવી વિનંતી કરવામાં આવી હતી. આ સાથે જ મંત્રીશ્રી દ્વારા પણ ગામ લોકોને સ્વાર્થી ન બની અને રેતીચોરી રોકવા જાગૃત રહેવા અપીલ કરવામાં આવી હતી અને સરકાર લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સતત કાર્યશીલ છે તેમ પણ જણાવ્યું હતું.   આ સભામાં કુનડ ગામના સરપંચશ્રી કરસનભાઈ ભીમાણી, પૂર્વ સરપંચશ્રી રવજીભાઈ કાલાવડીયા, જોડીયા તાલુકાના ભાજપ પ્રમુખ જેઠાભાઈ, ગામના વિવિધ જ્ઞાતિના આગેવાનો અને અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બાળલગ્ન મુકત સમાજ  માટે કાર્યશાળા યોજાઈ

 જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ૧૨ જુલાઈના રોજ આપણો સમાજ બાળ લગ્ન મુકત સમાજ જેવા નવ વિષય-વિચાર પર વિવિધ સમાજ જ્ઞાતિઓના આગેવાનો, સમૂહ લગ્ન સમિતિ તેમજ વિવિધ હિતધારકો માટે એક દિવસીય બાળલગ્ન નાબુદી અંગે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં બાળ લગ્નના પરિણામો તેના કારણે સમાજમાં સર્જાતી અવ્યવસ્થા, બાળકોના જીવન અને તેમની ઉંમરના પ્રશ્નો બાબતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા સહજ ભાષામાં જ્ઞાતિના આગેવાનો રક્ષકોને સમજૂતી આપવામાં આવી હતી. સાથે જ દરેક વ્યકિતને બાળલગ્ન મુકત સમાજ બનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.યુ.મકવા, એસ.ડી.ઓ ડોકટર પ્રાર્થના, આદિજાતિ વિકાસ નિયામકશ્રી કરમુર, સમાજ કલ્યાણ અને બાળકલ્યાણ અધિકારીશ્રી મોરી દ્વારા કાર્યક્રમને લોકભોગ્ય બનાવવામાં આવ્યો હતો.

(11:52 am IST)