Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

કચ્છમાં ઓવરટેકની લ્હાયમાં ૧૨નો ભોગ લેનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો

માતાના મઢથી દર્શન કરીને પરત ફરતા શ્રમિક પરિવારને નડયો અકસ્માતઃ અકસ્માતમાં ઘાયલ ઈશ્વર રણછોડ ચમાર અને વર્ષાબેન ઈશ્વરે બે નાની દીકરીઓ ૬ વર્ષની ખુશી અને ૧ વર્ષની બાબુડી તેમ જ માતા વસુંધરાબેનને ગુમાવ્યા તો અન્ય એક પરિવારના પપ્પુભાઈ, તેમના પત્ની રીનાબેન અને તેમનો ૧ વર્ષનો દીકરો રોહિત ત્રણેય કાળનો કોળિયો બની ગયા

ભુજ, તા.૧૬:  ગઈકાલે ભુજના માનકુવા ગામે સર્જાયેલા ટ્રિપલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ આંક વધીને ૧૨ થઈ ગયો છે. ભુજ સહિત સમગ્ર રાજયમાં અરેરાટી સર્જનાર આ માર્ગ અકસ્માત ઓવરટેકની લ્હાયમાં સર્જાયો હતો. અકસ્માતમાં બચી ગયેલા ઇજાગ્રસ્તોના નિવેદન, પોલીસ અને આરટીઓની પૂછપરછમાં આ માર્ગ અકસ્માત વિશે મળેલી માહિતી આદ્યાત જનક છે. બે ટ્રક વચ્ચેની ઓવરટેકની લ્હાયમાં સામેથી આવતી હોવા છતાંયે અકસ્માત સર્જનાર ટ્રક નંબર જીજે-૧૨ એડબલ્યુ ૮૮૨૯ ના ડ્રાઇવરે સામેથી છકડો રીક્ષા આવતી હોવા છતાંયે ઓવરટેક કરતાં ટ્રકે પહેલાં છકડો અને તેની પાછળ આવતી બાઇકને હડફેટે લીધા હતા અને થોડી જ પળોમાં ચીસાચીસ સાથે મોતનું તાંડવ સર્જાયું હતું. આટલો મોટો ગંભીર અકસ્માત સજર્યા પછી ટ્રક ડ્રાઈવર ટ્રક સાથે નાસી છૂટ્યો હતો અને આગળ જઈ ટ્રકને બિનવારસુ છોડીને પોતે પલાયન થઈ ગયો હતો. જોકે, એક સાથે ૧૨ માનવ જિંદગીનો ભોગ લેનાર ટ્રક ડ્રાઈવર રમેશ કુંભા સંજોટને પોલીસે છેક રાપરથી ઝડપી લીધો છે. ટ્રક ડ્રાઈવર રમેશ કુંભા સંજોટની સામે સાપરાધ મનુષ્ય વધ સહિતની વિવિધ કલમો તળે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

શ્રમિકો મુન્દ્રા રોડ પર કાચા ઝૂંપડાઓમાં રહેતા હતા..

અકસ્માતનો ભોગ બનનાર તમામ મૂળ મધ્યપ્રદેશના રતલામના રહેવાસી છે. આ બધાં ભુજ મુન્દ્રા રોડ ઉપર રસ્તાની પડખે આવેલા કાચા ઝૂંપડાઓમાં રહેતા હતા. એક છકડો રીક્ષા અને એક બાઇક સાથે કુલ ૧૭ શ્રમિકો માતાનામઢ દર્શન કરવા ગયા હતા. તેઓ પરત ભુજ વળી રહ્યા હતા ત્યારે છકડાની અંદર ૧૪ જણા અને બાઇક ઉપર ૩ જણા સવાર હતા. ત્યારે ભુજથી આવતી બે ટ્રકો પૈકી એક ટ્રકના ડ્રાઈવર રમેશ કુંભા સંજોટે સામેથી આવતી છકડો રિક્ષાને જોયા છતાંયે બેદરકારી અને બેફિકરાઈપૂર્વક પોતાની ટ્રક ચલાવીને પહેલાં છકડો રીક્ષાને હડફેટે લઈને જોરદાર ટક્કર મારી હતી પછી પણ ટ્રકને રોકવાને બદલે ભગાવવાની કોશિશમાં પાછળ આવતી બાઇકને હડફેટે લીધી હતી. બબ્બે વાહનોને મોતની ટક્કર માર્યા બાદ પણ ઉભવાને બદલે ટ્રક ડ્રાઈવર રમેશ ટ્રક સાથે નાસી છૂટ્યો અને પછી ટ્રક રસ્તા ઉપર છોડી પોતે પલાયન થઈ ગયો. અકસ્માત સ્થળે જ એક સાથે પાંચ પાંચ વ્યકિતઓના મોત નિપજયા હતા જયારે અન્ય સાત વ્યકિતઓના મોત હોસ્પિટલમાં નિપજયા હતા. ૧૨ મૃતકોમાં ત્રણ બાળકો છે અને તેમાંયે બે બાળકો તો માત્ર એક જ વર્ષના છે. અકસ્માતને પગલે બપોરથી અકસ્માત સ્થળે, હોસ્પિટલમાં અને આ મજૂરોની વસાહતમાં આક્રંદ છવાયેલો રહ્યો છે. એક સાથે ૧૨ વ્યકિતઓના મોતને પગલે ભુજ સહિત જિલ્લાભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકોના નામ (૧) પરબત ધનાજી ભલાઇ ઉ.૨૫, (૨) મુકેશરણછોડ ચમાર ઉ.૩૫, (૩) રાધેશ્યામ શંકરલાલમ ચમાર ઉ.૨૬, (૪) પપ્પુ રતનલાલ ભલાઇ ઉ.૨૫, (૫) રીના પપ્પુ ભલાઇ ઉ.૨૫, (૬) વસુંધરા રણછોડ ચમાર ઉ.૬૦, (૭) પુજા રાધેશ્યામ ચમાર ઉ.૨૫ (૮) બબુડી ઇશ્વરલાલ ચમાર ઉ.૦૧ (૯) ખુશી ઇશ્વરલાલ ચમાર ઉ.૦૬ (૧૦) રોહિત પપ્પુ ચમાર ઉ.૦૧, (૧૧) માધુ લાલુ ચમાર ઉ.૩૦ (૧૨) મહેશ ભલાઈ છે. મૃતકોના મૃતદેહ ૩ એમ્બ્યુલન્સ દ્વારા વતન મધ્યપ્રદેશના રતલામ મધ્યે રવાના કરાયા હતા. ૬ ઇજાગ્રસ્તો હજી ભુજમાં હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે. અકસ્માતગ્રસ્તોની મદદે ભાજપના આગેવાનો જેમલ રબારી, ભીમજી જોધાણી, કોંગ્રેસી આગેવાનો રફીક મારા, ફકીરમામદ કુંભાર દોડી ગયા હતા.

(11:50 am IST)