Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બગદાણામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણીઃ લાખો ભાવિકો ઉમટયા

મંગલા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ, ગુરૂપૂજન સહિતના કાર્યક્રમોમાં ભાવિકોની ભીડ

આજે ગુરૂપૂર્ણિમાનાં પર્વે ગોહિલવાડમાં 'બાપા સીતારામ'નો ગગનભેદી નાદ ગુંજી ઉઠયો હતો. સંત શિરોમણી પૂ. બજરંગદાસ બાપાની તપોભુમિ બગદાણા ખાતે સવા લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતાં. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હીરાણી -ભાવનગર-હરેશ જોષી -કુંઢેલી)

ભાવનગર-કુંઢેલી તા. ૧૬ :.. સદ્ગુરૂદેવ સંત પૂ. બજરંગદાસબપાના ગુરૂઆશ્રમ બગદાણા ખાતે બડે ધામધુમ પૂર્વક ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. લાખો શ્રધ્ધાળુ ભકતજનોની આસ્થાના  કેન્દ્ર સમા બાપા સીતારામના ધામમાં આજે ગુરૂપૂનમ (મંગળવારે) લાખો ભાવિકજનો ઉમટી પડયા છે. સમગ્ર ગુરૂઆશ્રમના પરિસર તેમજ નૂતન મંદિરને રંગબેરંગી રોશનીથી જળાહળા કરવામાં આવ્યું છે. ગુરૂ આશ્રમ મધ્યેના તમામ દેવાલયોમાં ફુલોના શણગાર પણ કરવામાં આવ્યા છે.

ગત રાત્રીથી જ ઉજવણીનો ધમધમાટ પૂરજોશમાં શરૂ થયો છે. ગત ચૌદશનો દિવસ અને રાત્રીના મોટી સંખ્યામાં પદયાત્રીઓ બગદાણા બાપાના ચરણોમાં શીષ નમાવવા પધારી રહ્યા છે. ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે મંગલા આરતી, ધ્વજાપૂજન, ધ્વજારોહણ અને ગુરૂપૂજનના કાર્યક્રમોમાં સૌ શ્રધ્ધાળુ ભાવિક બહેનો ભાઇઓ જોડાયા છે.

પ્રતિ વર્ષ અષાઢી પૂનમના દિવસે બગદાણા ખાતે ગુરૂ પૂર્ણિમા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઇ છે. ચાલુ વર્ષે પણ ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ભકિતભાવ સાથે ઉજવવામાં આવનાર આ મહોત્સવમાં પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સાક્ષી બનશે. આ મહોત્સવની સફળતા માટે સમગ્ર ટ્રસ્ટી મંડળ, સ્વયંસેવકો તેમજ ભાવિકોએ આગોતરું આયોજન કર્યુ છે. સરકારી વિભાગો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ, ફાયર બ્રીગેડ, પોલીસ વિભાગની સેવા અહીં ઉપલબ્ધ બની છે.

(11:42 am IST)