Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જસદણ પર્યાવરણ કેન્દ્ર દ્વારા સહિયર મીલન કાર્યક્રમ યોજાયો

જસદણ તા. ૧૬ : પર્યાવરણશિક્ષણ કેન્દ્ર, જસદણ અને સી.એલ.પી. ઇન્ડિયાના આર્થિક સહયોગથી જસદણ અને ચોટીલા તાલુકાના ૦૭ ગામમાંછેલ્લા બે વર્ષથી આરોહણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, આરોહણ કાર્યક્રમ અંતર્ગતશિક્ષણ, આજીવિકા અને પાણી ઉપર લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બહેનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આરોહણ પ્રોજેકટ અંતર્ગત ચોટીલા તાલુકાનાં વડાલી ગામમાં સહિયર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં શ્રી રીટાબેન દ્વારા આરોહણ પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવતા કાર્યક્રમો વિષે વાત કરવામાં આવી. થીમ મુજબ કર્યો વિષે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને બહેનોને રોજગારી મળી રહે તેના માટેની વાત રજુ થઇ. બહેનો જાતે ઉદ્યમશીલ બને તેના માટેની ચર્ચા કરવામાં આવી.

સુરેશભાઈ ડોડીયા દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના ગામડાઓમાં બહેનોને જુદા જૂદા પ્રકારની તાલીમો આપવામાં આવે છે. તેઓ જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેમાંથી બહેનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેના માટેના કાર્યક્રમો કરી રહ્યા છે. સુરેશભાઈ ડોડીયા દ્વારા બહેનો કેવા પ્રકારની તાલીમો મેળવી શકે, તેનું માર્કેટ કઈ રીતે મેળવવું, બહેનોને કયાં પ્રકારની તાલીમોની જરૂરિયાત છે તેની વાત કરવામાં આવી. બહેનો સ્થાનિક કક્ષાએ તથા તાલીમ સેન્ટર પર જઈને પણ તાલીમ મેળવી શકે છે. આ ઉપરાંત બહેનો દ્યરે બેઠા કયાં પ્રકારના ઉદ્યોગો શરુ કરી શકે તેની વાત રજુ કરી હતી.

મનીષાબેન દ્વારા જુદી જુદી તાલીમોની વાત કરવામાં આવી છે. મનીષાબેન પોતે RSETI માંથી તાલીમ લીધેલ છે અને તેનાથી તેમને રાજકોટ નાગરિક સહકારી બેંકમાં જોબ મળી છે. RSETI દ્વારા ૬૦ પ્રકારની રોજગાર લક્ષી તાલીમો વિનામૂલ્યે આપવામાં આવે છેતેની વાત રજુ કરવામાં આવી હતી.

શ્રી સંજયભાઈ જોશી જેઓ શાંતિ લાઈફ ફાઉન્ડેશન માંથી આવે છે. જેઓ બહેનો સ્વ રોજગાર થઇ શકે તેના માટે બહેનોને ૧ % ના વ્યાજ પર લોન આપવાનું કાર્ય કરે છે. શાંતિ લાઈફ ફાઉન્ડેશન દ્વારા એક બેનને વધુમાં વધુ ત્રણ વાર લોન આપવામાં આવે છે જેમાં પ્રથમ વાર 15000/- રૂ., બીજી વાર 30000/- અને ત્રીજી વાર 50000/- ની લોન બહેનોને આપે છે. જે બહેનોને ઉદ્યોગ શરુ કરવો હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય જેનાથી આવક મેળવી શકાય તેના માટે લોન આપે છે. જે બેન લોન લે છે તેને એક વર્ષમાં લોન પૂરી કરવાની રહે છે. ખાસ કરીને પછાત અને છેવાડાના ગામડાઓમાં રહેતા બહેનોને લોન આપવામાં આવે છે.લોન નો સમગ્ર વહીવટ ચેકથી કરવામાં આવે છે, લોન લેવા માટે જે તે બેન પાસે બેંક ખાતું હોવું જરૂરી છે.સહિયર મિલનના અંતમાં રીટાબેન દ્વારા સમગ્ર મહેમાનો તથા આવેલા બહેનોનો આભાર માનવામાં આવ્યો અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.કાર્યક્રમના અંતમાં દરેક બહેનોને લીમડો, કરંજ, સીતાફળ, જામફળ, દાડમ અને સરગવાના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર માંથી શ્રી સુમન રાઠોડના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રી રીટાબેન રાઠોડ તથા શ્રી અરજણ સાકરિયાએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

(11:33 am IST)