Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ધોધમાર વરસાદના કારણે ઉનાના ૩૦ ગામો સંપર્ક વિહોણાઃ કોડીનાર હાઈવે બંધઃ ગુંદાળા ગામમાં મચ્છુંદ્રી નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું: અનેક ટ્રેનો રદ્દ

ઉના, તા. ૧૬ :. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ૩ - ૪ દિવસથી મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ રહ્યા છે અને નદી, નાળા, ડેમ છલકાઈ ગયા છે ત્યારે આજે ઉના અને ગીર ગઢડામાં સવારથી મેઘરાજા તૂટી પડતા ૧૦ાા ઈંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર પાણી - પાણી થઈ ગયુ છે. ભારે વરસાદને કારણે ઉના-કોડીનાર હાઈવે બંધ છે અને ૩૦થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે.

ઉના તાલુકાના વાવરડા ગામે ૩૦૦ લોકો પાણીમાં ફસાતા તેમને બચાવવા માટે રેસ્કયુ ટીમને કામે લગાડાઈ છે. ગુંદાળા ગામે ૮ ઈંચ વરસાદ ખાબકતા અને મચ્છુંદ્રી નદીના પાણી ગામમાં ફરી વળતા ગામ બેટમાં ફેરવાઈ ગયુ છે અને ૧૯૯૮માં આવેલ ભયાનક પૂરની યાદ અપાવી છે. ગીર ગઢડામાં પણ સાંબેલાધારે વરસાદ વરસતા જાંખીયા ડેમનંુ પાણી જામવાડા રોડ પર આવી ગયુ છે. તેમજ હરમડીયા, નવાગામ, જામવાળા, ફાટસર, ઈટવાવ, કોદીયા, સનવાવ, આંબાવાડ, ખીલાવડ, નવા ઉગલા, બાબરીયા સહિતના ગામોમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ભારે વરસાદને કારણે અમરેલી-વેરાવળ, જૂનાગઢ-અમરેલી, દેલવાડા-વેરાવળ, દેલવાડા-જૂનાગઢ સહિતની ટ્રેનોને ૨૪ કલાક માટે રદ્દ કરવામા આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સનવાવ ગામે અને વેલાકોટ ગામે પ્રસૃતા મહિલાને હેલીકોપ્ટરની મદદથી સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

(3:46 pm IST)