Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૪ કલાકમાં ગીરગઢડા-૯II, ઉના-૮II ઇંચ ખાબકયો

મહુવા-૩, ઉમરાળા-ર, ભાવનગર-તળાજામાં દોઢ ઇંચઃ જાફરાબાદ-રાજુલામાં પણ ર ઇંચ વરસાદ પડયો

રાજકોટ, તા., ૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે અને કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ વરસી રહયો છે. આજે સવારના ૮ થી બપોરના ૧ર વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં ૯II ઇંચ અને ઉનામાં ૮II ઇંચ વરસાદ ખાબકયો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું છે.

ઉનાના પ્રતિનિધી નવીન જોશીના અહેવાલમાં જણાવાયું છે કે ભારે વરસાદના કારણે મહેતા હોસ્પીટલ સહિત અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જયારે ગીરગઢડામાં ૯II ઇંચ જેટલો વરસાદ પડતા ઉમેદપરા રોડ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા ગીર સોમનાથમાં મહેરબાન થતા  અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

આજે સવારના  ૮ વાગ્યાથી બપોરના ૧ર વાગ્યા સુધીમાં કોડીનારમાં ૧ ઇંચ, તાલાળામાં અડધો ઇંચ અને વેરાવળ તથા સુત્રાપાડામાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

ભાવનગર જીલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે અને મહુવામાં વધુ ૩ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ભાવનગર અને તળાજામાં દોઢ ઇંચ, ઘોઘામાં ર ઇંચ, સિંહોર-જેસર-ઉમરાળા-વલ્લભીપુરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

જુનાગઢ જીલ્લાના કેશોદ અને વિસાવદરમાં ૧-૧ ઇંચ જયારે ભેંસાણ-જુનાગઢ-માળીયા હાટીના-મેંદરડા-માંગરોળ-વંથલીમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.

અમરેલી જીલ્લાના જાફરાબાદ અને રાજુલામાં બે ઇંચ જયારે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ધારી અને લાઠીમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે બોટાદ અને બરવાળામાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટના કોટડા સાંગાણી-લોધીકા-ઉપલેટા અને રાજકોટ શહેરમાં મેઘાવી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. (૪.૧૧)

(12:45 pm IST)