Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કોડીનારમાં ૮ દિ'માં ૪૨ ઇંચ : ૨૦ ગામો પાણીમાં : શીંગોડા ડેમ છલકાયો

કોડીનાર તા. ૧૬ : કોડીનાર પંથકમાં મેઘરાજાએ મહેર કરી છે. સતત આઠમાં દિવસે વધુ દોઢ ઇંચ સાથે મોસમનો કુલ ૧૦૪૦ મી.મી. વરસાદ પડયો છે. સીંગવડા ડેમમાં વધુ દોઢ ફુટ પાણીની આવક સાથે ૪૯ ફુટ પાણી ભરાયેલ છે.

અનરાધાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. પરમ દિ' રાત્રીના વધુ ૬ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તાલુકાભરમાં વિકટ સ્થિતિ સર્જાઇ રહી હતી ત્યારે સદનશીબે કાલે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે આખો દિવસ વિરામ લેતા વરસાદી પાણી ઓસરી જતા શહેર અને તાલુકાભરમાં જનજીવન ધબકતુ થતાં લોકો સાથે તંત્રએ હાશકારો અનુભવ્યો છે પરંતુ આજે પણ વરસાદી વિરામ વચ્ચે પણ સૂર્યના દર્શન ન થતાં અને આકાશ કાળા ડીંબાંગ વાદળોથી ઘેરાયેલું હોય તંત્ર હજુ એલર્ટ છે.

કોડીનાર શહેરમાં ગઇકાલે રાત્રીના ૧૦ કલાકે શરૂ થયેલા મુશળધાર વરસાદ સવારે ૬ સુધીમાં ૬ ઇંચ વરસી જતાં શહેરના અનેક તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં ભારે માત્રામાં વરસાદી પાણી ભરાતા તાલુકાના મૂળ દ્વારકા, મઠ, બરડા, છારા, પીપળી, પણાંદર, દામલી, પેઢાવાડા, અરણેજ, ફાચરીયા, ગીર દેવળી, ગોહિલની ખાણ, ભુવાટીંબી, કાજવેલણ, સરખડી, માઢવડ સહિતના ૨૦ જેટલા ગામોમાં વરસાદી પાણી ફરી વળતા આ ગામો બેટમાં ફેરવાયા હતા અને ઉપરોકત ગામોમાં મોટાભાગના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્તા જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જો કે સદ્નશીબે સવારથી વરસાદ રોકાતા આ પાણી ઓસરી જતાં સદ્નશીબે જાનહાની - માલહાની ટળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

કોડીનારમાં ગઇકાલે રાત્રીના ૬ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચ ૯૯૫ મીમી નોંધાયો છે. કોડીનારમાં મોસમના ૬૦ ઇંચ વરસાદની સરેરાશ વચ્ચે પ્રથમ રાઉન્ડમાં જ ૪૦ ઇંચ વરસાદ પડતા સિઝનનો ૭૫ ટકા જેટલો વરસાદ વરસી ચુકયો છે. જ્યારે કોડીનારના શિંગોડા ડેમ સાઇડ ઉપર છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૬૪૫ મીમી ૨૬ ઇંચ નોંધાવાની સાથે ડેમમાં સતત ૩જા દિવસે ૮ ફુટ નવા નીરની આવક થતાં ડેમની સપાટી ૪૭ ફુટે પહોંચેલ.

કોડીનાર પંથકમાં ભારે વરસાદના કારણે આજે સવારથી જ તાલુકા - જિલ્લા વિકાસના અધિકારીઓ - તાલુકા અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓ - હોદ્દેદારો સહિતની ટીમોએ અસરગ્રસ્ત ગામડાઓનો સંપર્ક કરી તલાટીઓ પાસેથી અહેવાલો મંગાવાયા હોવાનું જાણવા મળ્યું છે.(૨૧.૧૦)

(12:19 pm IST)