Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

કચ્છમાં પાટીદાર સમાજ દ્વારા મેઘરાજાને મનાવવા ''જલધારા''ની પરંપરા

ભુજ, તા.૧૬: આજે વાત કરવી છે કચ્છના પાટીદાર સમાજની એક અનોખો પરંપરા ની. નખત્રાણા તાલુકા ના વિથોણ ગામની અષાઢી બીજની ઉજવણી માત્ર કચ્છમાં જ નહીં પણ દેશમાં જયાં જયાં કચ્છી માડુઓ વસે છે ત્યાં ત્યાં તેની એક આભા છે. વિથોણમાં પરંપરા મુજબ ઘણા વર્ષોથી આ ઉજવણી થાય છે અને તે પ્રસંગે પશ્યિમ કચ્છમાંથી જ નહીં પણ સમગ્ર દેશમાંથી પાટીદાર ભાઈઓ ખાસ પોતાના ગામ વિથોણ આવતા હોય છે.મૂળ વિથોણ ના અને માહિતી વિભાગના કચ્છના પૂર્વ આસી. ડાયરેકટર શાંતિલાલ સોની કહે છે કે, વિથોણની ''જલધારા'' ની પરંપરા પાછળ નો હેતુ

ધરતીના ધણી એવા મેદ્યરાજાને રિઝવવાનો છે.

કચ્છ ભલે આજે વિવિધ ધંધામાં ધમધમે છે પણ તેના પાયામાં ખેતી છે. ખેતી માટે પાણી જોઈએ. મેદ્ય સમાન જળ નહીં ના ન્યાયે વિથોણ વાસીઓ એકબીજા ઉપર પાણી છંટકાવ કરીને મેદ્યરાજાને વિનંતી કરે છે કે અમારા પર આમ બેસુમાર વરસો !!! ગામની વહુઓ વડીલોને પાણી ભરેલા બેડાં વડે નવડાવે છે. કારણ વડીલોના આશીર્વાદ હશે તો જ પ્રભુ પધારશે અને હવે ગામના આસ્થા ના સ્થળ સમાન ખેતાબાપા ના સ્થાનકે જલધારા નો આ કાર્યક્રમ થાય છે.સવારથી અનેરો માહોલ હોય છે. ગામ માં પાલખી યાત્રા નીકળે છે. સમુહભોજન હોય છે, અને હજારો નાળિયેર ખેતાબાપાના ચરણોમાં વધેરાય છે. આખોદીવસ ધાર્મિક વાતાવરણ ની ઝલક વચ્ચે વિથોણ મા પાટીદાર સમાજ સમૂહમાં અષાઢીબીજ મનાવે છે.

ભલે આપણે બધા આજે વ્હોટ્સએપ્પ ના માધ્યમથી પરસ્પર વધાઇ આપીએ પણ વિથોણ ના પાટીદારો ''જલધારા'' દ્વારા તેમના તાર સીધા ખેતાબાપા યાને ભગવાનથી સાધે છે.

એને શ્રદ્ઘા સાથે કહે છે કે, મેઘા આજ તું મનમૂકીને ધરતીને તરબતર કરી દે.

અને યાદ રહે કે આપણા ખેતીપ્રધાન દેશમાં અર્થવ્યવસ્થાનો એકજ તારણહાર છે તે છે મેદ્યરાજા!!

તો વિથોણ ના પાટીદાર સમાજનો એ જ સંદેશ છે કે, કચ્છ જેવા સૂકા મુલક માટે દિવાળી કે અંગ્રેજી વર્ષ નહીં પણ પ્રથમ વરસાદ જયારે કચ્છમા પડે છે તે અષાઢીબીજ એ જ આપણું નવું વર્ષ !! એટલે જ આ ''જલધારા''ની આ ઉજવણી સાર્થક છે.(૨૨.૮)

(12:12 pm IST)