Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાવનગર જીલ્લામાં વરસાદ આફતરૂપ બન્યો : સોસાયટીઓ, ગામડા પાણીમાં ડુબ્યા

 

ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી લોકો ફસાયા : ભાવનગર : જીલ્લાના તળાજા-મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી વાડી વિસ્તારમાં લોકો ફસાઇ જતા ખેડુતો અને ખેતમજૂરોએ નજીકના ધાર્મિક સ્થળો સહિતની જગ્યાએ આશરો લેવો પડયો હતો. કમલેશભાઇ ચૌહાણના જણાવ્યા મુજબ મહુવાના વાઘનગર ગામે ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. મકાનો પડી ગયા હતા. ગામોમાં ચારથી પાંચ ઇંચ વરસાદથી નદી-નાળા બેકાંઠે વહ્યા હતા. રસ્તામાં પાણી ભરાઇ જતા લોકોને જયાં હતાં ત્યાં રોકાઇ જવું પડયું હતું.

નિકોલ બંધારો તૂટયો : ભાવનગર જીલ્લાના મહુવા પંથકમાં ભારે વરસાદને કારણે નિકોલ બંધારો તૂટયો  છે.

ભાવનગરમાં ભારે વરસાદ આફતરૂપે વરસ્યો  : શહેરના અનેક વિસ્તારોમાં ઘરમાં ઘુંટણસમા પાણી ઘુસી જતાં વ્યાપક નુકસાન થયું છે. જયારે જેસરમાં સાડાનવ ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસતારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જીલ્લાભરમાં ભારે વરસાદથી વ્યાપક નુકશાન થયું છે. હજુ પણ વરસાદ ચાલુ રહ્યો છે. (વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. ૧૬ : ભાવનગર જીલ્લાના શેત્રુંજી ડેમની સપાટી રર ફૂટને આંબી ગઇ છે. ર૪ કલાકમાં ડેમમાં ચાર ફુટ નવા નીરની આવક થઇ છે.

પાક અને પીવાના પાણીના પ્રશ્ને ભાવનગર જીલ્લામાં જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની નોંધપાત્ર આવક થતાં ભાવનગરનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે અને ર૪ કલાક દરમ્યાન જ આ વિશાળ ડેમમાં ચાર ફુટ નવા નીરની આવકથી ડેમની સપાટી વધી રર ફુટને આંબી ગઇ છે.

બોરતળાવ

ભાવનગર શહેરના બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં એક ફુટ પાણીની આવક થતાં બોરતળાવની સપાટી ર પ.૮ ફૂટ પહોંચી છે.

ભાવનગર જીલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સમગ્ર ગોહિલવાડ પંથકમાં એક ઇંચથી સાડાનવ ઇંચ વરસાદ ખાબકયો છે. જેસરના અનેક વિસ્તારો બેટમાં ફેવાયા છે અને ૧પ૦ લોકોનું સ્થળાંતર કરાયું છે. ખાસ કરી ગામડાઓમાં ભારે વરસાદથી મુશ્કેલી ઉભી થઇ છે અને વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે. જેસરમાં સાડાનવ ઇંચ, ભાવનગરમાં સાડા પાંચ ઇંચ, શિહોરમાં અઢી ઇંચ, ઘોઘામાં બે ઇંચ, વલ્લભીપુરમાં દોઢ ઇંચ, મહુવામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં ત્રણ ઇંચ, પાલીતાણામાં ચાર ઇંચ, ગારીયાધારમાં અર્ધો ઇંચ, અને ઉમરાળામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ ધીમી ધારે મેઘસવારી ચાલુ રહી છે.

ભાવનગર જીલ્લામાં ભારે વરસાદ આફતરૂપ બની વરસ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતા અનેક ઘરમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકસાન થયું છે. ભાવનગર શહેરમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદથી અનેક સોસાયટીઓમાં ગોઠણ સુધી પાણી ભરાયા છે. આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ઠેર ઠેર માર્ગો બંધ થતાં જનજીવનને વ્યાપક અસર થઇ છે.

ભાવનગર શહેરના કુંભારવાડા, હાદાનગર, વિઠ્ઠલવાડી, વિગેરે નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પણ ત્રણ-ત્રણ ફુટ પાણી ઘુસી જતા તંત્રએ જેસીબીના મશીનથી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હતી. ભરતનગર, પ્રગતિનગર, શિવપાર્ક સોસાયટીમાં ઘરમાં ઘુંટણસમા પાણી ભરાતા લોકોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે. ત્યારે આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ થશે તે અંગે લોકોમાં ચિંતા પ્રસરી છે.(૮.૬)

(12:11 pm IST)