Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

લોધીકા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાશેઃ હરીશચંદ્રસિંહ સહિતના કોંગી સભ્યો ભાજપમાં!!

પ્રમુખની ચૂંટણી પહેલાં જ કડડભુસ થવાનું હતુ પરંતુ ગોઠવાયું નહીઃ હવે લીલીઝંડી!!: તુર્તમાં સ્વેચ્છાએ પુનઃ પ્રક્રિયા થઇ શકે છેઃ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ ન કરી શકવાની સ્થિતિમાં : લોકસભા ચૂંટણી પહેલા લોધીકા તાલુકામાં કોંગ્રેસને પડયો મરણતોલ ફટકો

રાજકોટ તા.૧૬: લોધીકા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી સમયે કોંગ્રેસની બહુમતી ધરાવતી પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા સ્હેજમાં રહી ગયો હતો પરંતુ ચૂંટણીને હજુ મહિનો માંડ થયો છે ત્યાંજ કોંગ્રેસના ટેકાવાળી પંચાયતમાં કોંગ્રેસ સાફ થઇ ગઇ છે અને પૂર્ણ બહુમતી સાથે ભાજપ નો ભગવો લહેરાશે કોંગ્રેસના ત્રણ સભ્યો અગાઉ ભાજપમાં ચાલ્યા ગયા બાદ હવે બાકીના સભ્યો સાથે કારોબારી ચેરમેન હરીશચંદ્રસિંહ જાડેજા (માખાવડ) ભાજપમાં જઇ રહયાં છે.

 

આમ તો ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ લોધીકામાં કડ્ડડભુસ થવાની હતી પરંતુ થોડી આંતરીક ખેંચાખેંચીના કારણે સમુસુતરૂ પાર ના ઉતર્યુ ઉલ્ટાનું કોંગ્રેસના સાથે ભાજપના બળવાખોર સભ્ય પ્રમુખ તરીકે ચુંટાઇ આવ્યા હતા જેમાં હરીશચંદ્રસિંહ જાડેજાનો હાથ ઉપર રહયો હતો.

દરમ્યાન મળતા અહેવાલો મુજબ લોધીકા તાલુકા પંચાયતમાં હવે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઇ ગયાનું અને વર્તમાન કારોબારી ચેરમેન હરીશચંદ્રસિંહ જાડેજા (માખાવડ) ની આગેવાનીમાં કોંગ્રેસના બાકીના સભ્યો પણ ભાજપનો ભગવો ખેસ પહેરી લીધો છે કે તુર્તમાં સત્તાવાર રીતે પહેરી લેશે.

હવે જે રાજકીય સમીકરણો થવા જઇ રહયાં છે તે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી વખતે પણ થઇ જવાના હતાં પરંતુ બે બળીયાઓની લડાઇમાં ભાજપનો કેસરીયો લહેરાવાના બદલે ટાઇ થતાં કોંગ્રેસના ટેકાથી ભાજપના જ બળવાખોર અનિલસિંહ ડાભી પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

તાલુકા પંચાયતની ચૂંટણી સમયે કોંગ્રેસના ૯, ૧ અપક્ષ અને ભાજપના ૬ સભ્યો ચંૂંટાયા હતા પ્રથમ અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસી પદાધિકારીઓ હતા અને તાજેતરની નવી ટર્મની ચૂંટણી સમયે ભાજપે કોંગ્રેસના ૩ અને ૧ અપક્ષને પોતાની તરફ ખેંચી લીધા હતા જો કે કોંગ્રેસે પણ ભાજપના બે સભ્યોને પોતાના તરફ ખેડવીને ભાજપના મનસુબા પર પાણી ફેરવી નાખ્યું હતું. પ્રમુખની ચૂંટણી સમયે જ કોંગ્રેસના હરીશચંદ્રસિંહ જાડેજા સહિતના સભ્યોનો ભાજપ પ્રવેશ લગભગ નિશ્ચિત હતો પરંતુ થોડીક આંતરીક ખેંચતાણથી તે સમયે પ્રમુખ તરીકે હરીશચંદ્રસિંહ જાડેજાને સ્વિકાર્ય ન કરાતા મામલો ગૂંચવાયો હતો અને કસોકસનો જંગ ખેલાયો હતો જેમાં ભાજપ સફળ રહી શકયું ન હતું.

દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોલેજકાળનાં મિત્ર હરીશચંદ્રસિંહ જાડેજા અને મુખ્યમંત્રી વચ્ચે અઠવાડીયા પહેલા થયેલી વાટાઘાટો સફળ રહેતા અને ભાજપના સ્થાનિક નેતાગીરી પણ સહમત થતા અંતે હવે  તુર્તમાં લોધીકા તાલુકા પંચાયતમાં સંભવત સર્વાનુમતે ભાજપનો ભગવો લહેરાશે તે નિશ્ચિત બન્યાનું મનાય છે.

એમ કહેવાય છે કે તૂર્તમાં કુલ્ડીમાં ગોળ ભાંગી લઇને ઘી ના ઠામમાં ઘી પડી જાય અને પદાધિકારીઓ તથા કારોબારી ચેરમેન સહિતનાં હોદામાં થોડો આંતરીક ફેરબદલ થઇને બધુ ગોઠવાઇ જશે અને લોકસભાની ચૂંટણી પહેલાંજ લોધિકામાં કોંગ્રેસને મરણતોલ ફટકો પડશે.

(11:41 am IST)