Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

રાજુલામાં રેલ્વે જમીન પ્રશ્ને આંદોલન ૯મા દિવસે યથાવત

કોળી સમાજ દ્વારા ધારાસભ્ય અંબરીશ ડેરના સમર્થનમાં આવેદન : ન્યાય આપવા માંગણી

રાજુલા,તા. ૧૬: રાજુલાની રેલ્વે જમીન પ્રશ્ને ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ચાલી રહેલા આંદોલનનો આજે ૯ માં દિવસે વિવિધ આગેવાનો અને ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો દ્વારા છાવણીની મુલાકાત લીધી અને સમર્થન જાહેર કર્યું.

રાજુલામાં રેલવેની પડતર પડેલ જમીનમાં બ્યુટીફીકેશન પાર્ક અને રોડ બનાવવા માટે સોપણી નહીં થતાં અને બેરીકેટ લગાવી દેવાતા જમીન સોપણી કરાવવા માટે ધારાસભ્યશ્રી અમરીશ ડેર દ્વારા છેલ્લા ૮ દિવસથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવેલ છે. આજે ઉપવાસ આંદોલનના ૯મા દિવસે ભાજપ શાસિત જાફરાબાદ નગરપાલિકા ના સદસ્યો દ્વારા ઉપવાસી છાવણીની મુલાકાત લીધેલ હતી અને તેઓએ રેલવે પ્રશ્ને અમરીશ ડેર ને સમર્થન આપેલ હતું. તેમજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સમયે પણ સાથે રહીને જે કંઈ પણ કરવું પડશે તે કરવાની પણ તૈયારી બતાવેલ છે આમ કોંગ્રેસ ઉપરાંત ભાજપના લોકો પણ આ જમીન પ્રશ્ને અમરીશ ડેર ને સમર્થન પૂરું પાડી રહ્યા છે. જાફરાબાદ નગરપાલિકા ભાજપ શાસિત થયેલ નગરપાલિકા છે આ નગરપાલિકાનાં સદસ્યોએ રેલવે પ્રશ્ન અને પક્ષાપક્ષીથી પર રહીને સાચા પ્રશ્ને સમર્થન આપેલ હોવાનું તેઓએ જણાવેલ છે. આ નગરપાલિકાના સાત સદસ્યો દ્વારા ઉપવાસી છાવણીની પણ મુલાકાત લેવામાં આવેલ હતી

રાજુલા માં શહેરની વચ્ચોવચ આવેલી રેલવેની જમીન છેલ્લા ૨૫ વર્ષો થી પડતર પડેલી બિન ઉપયોગી જમીનનાં કારણે માર્કેટિંગ યાર્ડ સામે ટ્રાફિક સમસ્યાઓ અને અકસ્માત સર્જાઇ છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા રાજુલા નગરપાલિકાની માંગણી કરી હતી કે રાજુલામાં રેલવે ની બિન ઉપયોગી જમીન નગરપાલિકાને ચિલ્ડ્રન પાર્ક, સર્કલ,રસ્તાઓ, સિનિયર સિટીઝન પાર્ક, સાઇકલ ટ્રેક,વોક વે, સહિતના વિકાસ કામો માટે જમીન સોંપવાની માંગ કરી હતી. જેનાં માટે નગરપાલિકા અને રેલવે વચ્ચે જમીન ફાળવણી બાબતે કરારો પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા નગરપાલિકા ને વિકાસ કાર્યો માટે જમીનનો કબજો સોંપવામાં ના આવતા અને રસ્તા માં બેરીકેટ ઉભા કરવામાં આવતા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે શરૂઆત માં ૫ દિવસ સુધી રાજુલા રેલવે ની જમીન સામે ઉપવાસ છાવણી નાખ્યા બાદ છઠ્ઠા દિવસથી બર્બટાણા ગામે રાજુલા રેલવે જંકશન ઉપર ઉપવાસ આંદોલન શરૂ છે ત્યારે કોળી સમાજના આગેવાન પ્રવિણભાઇ બારૈયા, અજયભાઈ શિયાળ, ભાણાભાઈ ગુજરીયા, જીવરાજભાઈ ગુજરીયા સહિતના આગેવાનોની આગેવાનીમાં રાજુલા જાફરાબાદ સમસ્ત કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની માંગણી યોગ્ય અને જનહિત માટેની હોય આથી એમને સમર્થન કરીએ છીએ તેમજ સરકાર શ્રી દ્વારા આ અંગે યોગ્ય ઘટતું કરવા માં આવે તેવી રજૂઆત કરી હતી જો આગામી દિવસોમાં રેલવે વિભાગ દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમો પણ બહોળી સંખ્યામાં આ ઉપવાસ આંદોલનમાં જોડાશુ તેવી ચિમકી આપી હતી. ત્યારે રેલવે વિભાગ દ્વારા આ અંગે યોગ્ય ઘટતું નહીં કરવામાં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.

(2:12 pm IST)