Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભાણવડમાં ગેરકાયદે દુકાનો તોડી પાડવા મેગા ડીમોલીશન

પ૦ થી પપ જેટલી દુકાનો સાથે ર થી ૩ કોમર્શિયલ સેન્ટરો ઝપટમાં: પ્રાંત અધિકારી અને પોલીસ ટીમનો બંદોબસ્ત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તાલુકા સેવા સદનની સામે આવેલા દબાણો હટાવવા  પ્રાંત અધિકારીશ્રી ડી.આર.ગુરવ(આઇ.એ.એસ.) દ્વારા મેગા ઓપરેશન કરીને આઠથી દશ કરોડની મિલકતો તોડીને દબાણ હટાવાયું હતું જે  પછી કોરોના કાળમાં મંદ કામગીરી થતા બાકી રહી ગયેલા દબાણકારો આનંદમાં આવી ગયેલા તેમનો પણ રાઉન્ડ આજે શરૂ થયો છે.

પ્રાંત અધિકારીશ્રી ડી.આર.ગુરવ, ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર, ભાણવડ મામલતદારશ્રી તથા ચીફ ઓફીસર ઇન્ચાર્જ એ.જે.વ્યાસ દ્વારા આજે સવારથી જેસીબી હીટાચી તથા અન્ય અર્થમુવીંગ મશીનરીઓ સાથે ઓપરેશન શરૂ કર્યું હતું જેની સમગ્ર ભાણવડમાં ભારે ચર્ચા ચાલી હતી.

આજે શરૂ કરાયેલ ડીમોલીશનમાં પ૦ થી પપ જેટલી દુકાનો સાથે બેથી ત્રણ કોમર્શીયલ સેન્ટરો આવી જશે જેની કિમત જમીન સાથે ર૦ કરોડ જેટલી અંદાજાય છે આ તમામને અગાઉ નોટીસો આપી દેવાઇ હતી જેની આજે સવારથી ડિમોલીશન શરૂ કરતા લોકોના ટોળા જોવા ઉમટયા હતા જોકે દબાણકારોને જાણ થતા તેમણે રાત્રેજ તેમની દુકાનોના શટર, દરવાજા બારી ઇલે. મીટર વિ. જાતેજ ઉતારી લીધા હતા અગાઉ મામતલારશ્રી અવલાણીના સમયમાં નાનકડુ દબાણ હટાવો ઓપરેશન થયેલુ ત્યારે માત્ર વંડો જ હતો જયારે આ વખતે વાળેલી જગ્યાઓ પર કોમર્શીયલ શોપીંગ સેન્ટરો ખડકાઇ ગયા હોય તે પાડતા ભાણવડના ઇતિહાસમાં અત્યાર સુધીનું આ મોટુ ઓપરેશન છે જેમાં કરોડોની જમીનો છુટી  થશે.!!

તંત્રની નાક નીચે દબાણ  ગંભીર પ્રશ્ન !!

ભાણવડ તાલુકા સેવા સદનની સામે કરોડો રૂપિયાના કોમર્શીયલ સેન્ટરો બની ગયા હતા તંત્રએ કંઇ કર્યું નથી તે સ્થાનિક તંત્રના જે તે વખતના અધિકારીની ગંભીર ભુલ ગણાય છે !! જમીનો પર દબાણ કરીને કૌભાંડ કરીને સેન્ટરો ઉભા કરીને દુકાનો બનાવીને વેચી નાખી દબાણકારો ચાલ્યા ગયા છે અને પાછળ જેણે લાલચમાં કાયદેસરતા જાણ્યા વગર દુકાનો સીધી તેના લાખો રૂપિયા પાણીમાં ગયા !!

સૌથી વધુ પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં

ભાણવડના આ મેગા દબાણ હટાવો ઓપરેશનમાં અગાઉથી તંત્ર દ્વારા ડી.વાય.એસ.પી.પો.ઇ. તથા સ્થાનિક પો.સ.ઇ. નિકુંજ જોશી સાથે રાખીને ભાણવડ તથા ખંભાળિયાના ૧૦૦ થી વધુ પોલીસ કર્મીઓ આ દબાણ હટાવો ઓપરેશનમાં જોડાયા છે.

જામજોધપુર ચીફ  ઓફિસર મુકાયા

ભાણવડના આ દબાણ હટાવો ઓપરેશનના સંદર્ભેમાંજ તંત્ર દ્વારા ચાર્જમાં જામજોધપુરની હોશિયાર અને કડક ગણાતા ચીફ ઓફીસર શ્રી એ.જે. વ્યાસને નીમેલા હોય તેમનો સ્ટાફ સાથે કડક કામગીરી હાથ ધરી હતી.

(2:07 pm IST)