Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

જામનગરની કોવિડ હોસ્પિટલની ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ

ઍટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભે સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડાશે નહીં કસૂરવાર સામે કડક કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ જાડેજા

ઘટનાની ન્યાયિક તપાસ માટે સ્થાનિક કક્ષાઍ કમિટિ બનાવી તપાસ કરવાના આદેશો આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ, તા. ૧૬ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાઍ જણાવ્યું છે કે, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કાર્યરત ઍટેન્ડન્ટ યુવતીઓ પાસે કરાયેલી અઘટિત માંગણી અને જાતીય સતામણીના આક્ષેપો સંદર્ભેની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલતાથી લઈને આ બનાવમાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કસૂરવાર સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

મંત્રી શ્રી જાડેજાઍ ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીઍ આજે મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં જામનગર ખાતેની ઘટનાની જાણ થતાં ઘટના સંદર્ભે સ્થાનિક જિલ્લા વહિવટી તંત્રને સૂચનાઓ આપી ઘટનાના મૂળ સુધી પહોંચી ત્વરીત તપાસ કરવાના આદેશો કર્યા છે. આ માટે જિલ્લા કલેકટરશ્રી અને આરોગ્ય કમિશ્નરશ્રીને સુચના આપી સ્થાનિક કક્ષાઍ તપાસ સમિતી નિમીને ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા જણાવ્યુ છે. આ તપાસ કમિટિમાં જામનગરના પ્રાંત અધિકારી, આસી. સુપ્રિન્ટેડેન્ટ ઓફ પોલીસ (ખ્લ્ભ્) અને મેડીકલ કોલેજના ડીનની નિમણુંક કરાઇ છે. આ કમિટિ સમગ્ર બનાવની તપાસ કરી અહેવાલના આધારે કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાશે.

મંત્રીશ્રી જાડેજાઍ ઉમેર્યુ કે, રાજય ભરમાં કોઇપણ બેન કે દિકરીઓ રોજગારી માટે જયાં પણ કામ કરતી હશે અને ત્યાં આવા પ્રકારનું શોષણ થતુ હશે તો રાજય સરકાર ચલાવી લેશે નહી અને કોઇને પણ છોડશે નહી. કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો પણ કરી દેવાયા છે. (૯.૧૧)

(1:10 pm IST)