Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

યાત્રાધામ વીરપુરમાં સરકારી હોસ્પિટલમાં કોરોના વેકસીન માટે લોકોને ધરમના ધક્કા ખવડાવતા હોસ્પિટલના અધિકારીઓ

લોકોને વેકસીન માટે ફરજીયાત અન્ય બીજા શહેરમાં જવું પડે છે : વીરપુર સરકારી હોસ્પિટલના કોમ્પ્યુટર ઓપરેટર પોતે જ મોઢે માસ્ક ન બાંધી સરકારી જાહેરનામાનો ભંગ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) તા. ૧૬ : સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જયાં સુપ્રસિદ્ઘ પૂજય સંત શ્રી જલારામબાપાની જગ્યા આવેલી છે, વીરપુર જલારામ બાપાની જગ્યામાં દર્શન કરવા આવતા પ્રવાસીઓને લઈને હજારો નાનામોટા વેપારીઓ પોતાનો રોજગાર મેળવે છે, કોરોનાની બીજી લહેર કારણે આશરે બે મહિનાથી પૂજય જલારામ બાપાની જગ્યા યાત્રાળુઓ માટે બંધ હતી જે બે દિવસ પહેલા જ દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં વેપાર કરતા નાનામોટા બધા જ વેપારીઓને પોતાના ધંધા રોજગાર પર દર દસ દિવસે કોરોનાનો RTPCR નેગેટિવ રિપોર્ટ અથવા તો વેકસીન ફરજીયાત લઈ વેકસીન લીધાનું પ્રમાણ પત્ર સાથે રાખીને વેપાર કરી શકે ત્યારે ૧૮ થી ૨૦ હજાર જેટલા લોકોની વસ્તી ધરાવતા યાત્રાધામ વીરપુરમાં વેપારીઓ જયારે વેકસીન લેવા માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં જાય ત્યારે સરકારી હોસ્પિટલના કર્મચારીઓ જ અહિયાં વેકસીન નથી તમે રાજકોટ અથવા બીજા કોઈ શહેરમાં જઈને વેકસીન દેવડાવી લ્યો ! તેવા ઉડાવ જવાબ આપી દેવામાં આવે છે, એક બાજુ ગુજરાત સરકાર વેકસીનેસ માટે યુવાનોને અને લોકોને વેકસીન દેવાના મોટા મોટા બણગાં ફૂંકે છે ત્યારે બીજી બાજુ યાત્રાધામ વીરપુરમાં સરકારી હોસ્પિટલમાં અધિકારીઓ દ્વારા જ લોકોને ધરમના ધક્કા ખવડાવીને સરકારના વેકસીનેસનના લીરેલીરા ઉડાડતી અસલિયત સામે લાવી હતી, ગુજરાત સરકાર દ્વારા લોકોને વેકસીન માટે ગુજરાતમાં સૌથી ઝડપી હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે વસ્તીમાં રાજકોટ જિલ્લાનું મોટું ગામ વીરપુર અને એ પણ સુપ્રસિદ્ઘ યાત્રાધામ કે જયાં માત્રને માત્ર એક વખત જ ૧૮+ માટે વેકસીનનો સોલ્ટ આપવામાં આવ્યો છે અને એ સોલ્ટમાં પણ ૯૦% જેટલા વીરપુર બહારના જ લોકોએ વેકસીન લીધી જયારે વીરપુરના યુવા લોકોને ફરજીયાત રાજકોટ અથવા અન્ય કોઈ શહેરમાં જ વેકસીન માટે ખર્ચ કરીને જવું પડે છે,૧૮+ના વેકસીનેસનની વાત તો એક બાજુ રહી પણ યાત્રાધામ વીરપુરમાં તો ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને પણ વેકસીન માટે ધક્કા ખવડાવાય છે,યાત્રાધામના કેટલાય સમયથી વેકસીનનો પહેલો ડોઝ લઈ લીધો હોય અને ૧૦૦ જેટલા દિવસો પુરા થઈ ગયા હોય તેવા કેટલાય લોકોને પણ બીજા વેકસીનના બીજા ડોઝ લેવા માટે પણ વીરપુર સિવિલ હોસ્પિટલના અધિકારીઓ ધરમના ધક્કા ખવડાવે છે, જયારે વીરપુરના જાગૃત યુવાનો સ્થાનીક પત્રકારોને સાથે લઈને આ બાબતે વીરપુરની સરકારી હોસ્પિટલમાં રજુઆત કરવા ગયા ત્યારે વીરપુર સરકારી હોસ્પિટલના ડોકટર ડોડીયા તેમજ કોમ્યુટર ઓપરેટર દ્વારા યુવાનોને ઉડાવ જવાબ આપી યુવાનો સાથે પત્રકારોને પણ હડધૂત કરીને હોસ્પિટલની બહાર નીકળી જાવ તેવુ ઉદ્ઘતાય ભર્યું વર્તન કરવામાં આવ્યું હતુ,

જયારે એક તરફ સરકાર વેકસીનની મોટી મોટી વાતો કરે છે ત્યારે વીરપુર સરકારી હોસ્પિટલમાં લોકો,વેપારીઓ વેકસીન માટે ધરમના ધક્કા ખાય છે ત્યારે વીરપુર ગામના સરપંચ તેમજ લોકો તથા યુવાનો,વેપારીઓ દ્વારા વીરપુરમાં સરકાર વેકસીનની વ્યવસ્થા કરે અને હોસ્પિટલમાં મનમાની ચલાવતા આવા અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

(11:42 am IST)