Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

લુપ્ત થતા ગીધડાઓને બચાવો : ધ્રાંગધ્રામાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કામગીરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૬: દેશમા ગીધોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતા લુપ્ત થવાના આરે પહોંચી રહી છે. જેમાં રાજયની ગીધોની વસતી ગણતરીમા માત્ર ૯૯૯ ગીધની સંખ્યા નોધાણી છે. ત્યારે ધ્રાંગધ્રાના ભારદ અને પ્રતાપુર ઞામની સીમમાં ગીધોની વસાહત છે. જેમાં ૫૦થી વધુ ગીધની વસતી રહે છે. જેને ફોરેસ્ટ વિભાગ અને વિસ્તારના લોકો આ વસતી વધે તે માટે રક્ષણ સહિતના પ્રયત્નો કરી રહ્યા છે.

દેશમાં ગ્લોબલ વોર્મિંગ અને વૃક્ષો ઘટવા સાથે અનેક પક્ષીઓ લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ખાસ કરીને ગીધ પક્ષીની જાતી લુપ્ત થવાના આરે છે. આ પક્ષીની નવી વસતી ગણતરીમાં રાજયમાં માત્ર ૯૯૯ ગીધની સંખ્યા જોવા મળી છે. આ લુપ્ત થતી ગીધોની મોટા પ્રમાણમાં વસાહત ધ્રાંગધ્રાના ભારદ અને પ્રતાપુર ગામની સીમમાં જોવા મળી છે. જેમાં ૫૦થી વધુ ગીધની વસતીમાં વૃક્ષ પર જોવા માળા મળે છે. આ લુપ્ત થતા ગીધને બચાવવા માટે ધ્રાંગધ્રા ઘૂડખર અભિયારણ ફોરેસ્ટ વિભાગના ડીએફો એલ.કે.પ્રજાપતિ રેન્જ ફોરેસ્ટ કે.એ.મુલતાની અને ભારદ અને પ્રતાપુર ઞામના પર્યાવરણપ્રેમી યુવાનો પ્રયાસો કરી રહ્યા છે.

આ અંગે ધ્રાંગધ્રા ઘૂડખર અભ્યારણ ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કે.એ.મુલતાનીએ જણાવ્યું કે ભારદ અને પ્રતાપપુર ગામની સીમમાં ગીધ પક્ષીઓના માળામાં જોવા મળ્યા છે તેને બચાવવા માટે ઞામના યુવાનોના સહકારથી પાણી અને ખોરાક માટેની વ્યવસ્થા કરી પ્રયાસ શરૂ કરતા વસતીમાં વધારો જણાયો છે. આ અંગે પર્યાવરણ પ્રેમી નરેશભાઈ ઠક્કર અને કે.કે.જાડેજાએએ જણાવ્યું કે ગીધ લુપ્ત થઈ રહયા હોવાથી સરકાર દ્વારા તેમની વસાહતની જગ્યાઓએ યોગ્ય ખોરાક પાણી અને રક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ અને તેથી તેની સંખ્યા વધારી શકાય તે માટે પગલા લેવા જોઈએ.

(11:41 am IST)