Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સુરેન્દ્રનગરમાં મ્યુકોરમાઇકોસિસનાં ઇન્જેકશન અંકલેશ્વરની લેબમાંથી કાઢવામાં આવ્યાનું ખુલ્યુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૬: સુરેન્દ્રનગરમાં મ્યુકોર માઇકોસિસના દર્દીને આપવામાં આવતા ૨૦ નંગ ઇન્જેકશન સાથે લીંબડીનો શખસ પકડાયો હતો. તેની કડીબદ્ઘ તપાસ કરતા આ ઇન્જેકશન અંકલેશ્વરની લેબમાંથી કાઢવામાં આવ્યા હતા અને ગાંધીનગરના શખસો મારફતે સુરેન્દ્રનગર પહોંચાડવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા વધુ ૪ આરોપીઓને સિટી એ ડિવિઝન પોલીસે પકડી લીધા હતા.

મ્યુકોર માઇકોસિસના દર્દીઓ વધતા તેની સારવાર માટે વાપરવામાં આવતા ૨૦ ઇન્જેકશન સાથે લીંબડીના દલસુખ જેરામ પરમાર શખસને એ ડિવિઝન પોલીસ ટીમે પકડી લીધો હતો. તેની સાથે સુરેન્દ્રનગરના સમીર અબ્દુલભાઇ મનસુરીનું નામ ખૂલતા તેની પણ ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ગાંધીનગર અને અંકલેશ્વરના બે બે શખસના નામ ખૂલ્યા હતા. આથી સિટી એ ડિવિઝન પીઆઇ વી.વી.ત્રિવેદી, ડિસ્ટાફના ધનરાજસિંહ, વિજયસિંહ, મુકેશભાઇ તથા દશરથસિંહ સહિતની પોલીસ ટીમે ગાંધીનગર અને અંકલેશ્વરમાં ધામા નાખ્યા હતા.

જેમાં ગાંધીનગર રહેતા દિગ્વિજયસિંહ અનિરૂદ્ઘસિંહ વાદ્યેલા અને જિજ્ઞેશ બાલુભાઇ પટેલ તથા જિજ્ઞેશનો ભાઇ અને અંકલેશ્વરમાં રહેતો કેતન બાલુભાઇ પટેલ તેમજ અભય સુરેન્દ્રપાલ સિંધી નામના શખસોને પકડી લેવામાં આવ્યા છે. આ ગુનામાં પકડાયેલો અભય અંકલેશ્વરની લેબમાં નોકરી કરે છે. તે લેબમાંથી એક બે ઇન્જેકશન કાઢીને કેતનને રૂ.૪૫૦૦માં આપતો હતો. આ કેતન તેના ભાઇ જિજ્ઞેશની મદદથી અન્ય લોકો પાસેથી રૂ.૯ હજાર લઇને ઇન્જેકશનના કાળાબજાર કરતો હતો. જયારે દિગ્વિજયસિંહ અનિરૂદ્ઘસિંહ વાઘેલા જિજ્ઞેશને મદદ કરતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આ કેસમાં હજુ પણ બીજા લોકોના નામ ખૂલવાની શકયતાઓ સેવાઇ રહી છે.

(11:41 am IST)