Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કચ્છના નાના રણમાં વાવાઝોડામાં અગરિયા પરિવારોની સોલાર પમ્પ સિસ્ટમમાં ભારે નુકસાન

તાત્કાલિક સહાય આપવા રજૂઆત

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૬ : કચ્છના નાના રણ અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓની સોલર સિસ્ટમ વોટર પમ્પને આ વર્ષે આવેલા તાઉત્તે વાવાઝોડામાં ભારે નુકશાન થયું છે તે અંગે યોગ્ય તપાસ કરીને તેઓને વળતર આપવા બાબતે દિશા નિર્દેશ સમિતિના કન્વીનર જિતેન્દ્રકુમાર રાઠોડ દ્વારા રાજયના ઉદ્યોગ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે કચ્છના નાના રણમાં અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓની સોલર સિસ્ટમ વોટર પમ્પને આ વર્ષે આવેલા તાઉત્તે વાવાઝોડામાં ભારે નુકશાન થયુ છે છેલ્લા અંદાજે આખા રણ વિસ્તારમાં અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓ માટે ૩૦૦૦ જેટલી સોલર સિસ્ટમ વોટર પમ્પ મુકવામાં આવેલ છે. આ અગરિયાઓની સોલર સિસ્ટમની પેનલોને તાજેતરના તાઉત્તે વાવાઝોડામાં ભારે નુકશાન થયું છે.

સરકારના ઉદ્યોગ કમિશનરે જાહેર કરેલા પરિપત્રના નિર્દેશ મુજબ તેવો એ સોલર પેનલ ૮૦% સબસીડીના ધોરણે ખરીદેલ હોવા છતાં આ કંપનીઓ અને સોલર પ્રોવાઇડર સંસ્થા ઓએ એકેય અગરિયાઓને એના ખરીદીના બિલો પણ નથી આપ્યા. જેના કારણે તેઓને ૨૦૧૭ના વાવઝોડાનુ નુકશાનનું પણ મેન્ટન્સ કે નુકશાનીનું વળતર આ વીમા કંપનીઓએ ચૂકવેલ નથી. પ્રોવાઇડર સંસ્થાઓ ખરીદીના બિલો પણ અગરિયાઓને આપતી ન હોવાના કારણે એમની સોલર સિસ્ટમ આધારિત વોટર પમ્પનું વળતર વીમા કંપની કે સરકાર ચૂકવશે એ પણ અધ્ધરતાલ લટકતો પ્રશ્ન છે. ચાર વર્ષ પહેલા ૨૦૧૭માં આવેલા વાવાઝોડામાં હળવદ અને ધ્રાંગધ્રા તાલુકાના અગરિયાઓના રણમાં બેસાડેલા ૪૦૦ જેટલી સોલર વોટર પંપ સિસ્ટમની પેનલો તૂટી-ફૂટીને ઠેકાણે થઈ ગઇ હતી. જેનું પણ વળતર આ અગરિયા સમુદાયોને મળ્યું નથી અને એમની મહામુલી ક્રૂડ તેલની કે ડિઝલની બચતની મૂડી રીપેરીંગમાં જ ખર્ચાઈ ગઈ છે.

કચ્છના નાના રણમાં વાવઝોડામાં નુકશાન પામેલી સોલર સિસ્ટમ પેનલો વળતર માટે આ સોલર પેનલ સપ્લાય કરનાર કંપનીઓ અને એની પ્રોવાઇડર એજન્સીઓની ૮૦% સબસીડી બાબતે યોગ્ય તપાસ કરીને કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને સત્વરે આ સોલર પેનલોનું વળતર ચૂકવાય એ માટે પગલાં લેવા વિનંતી કરાઈ છે.

(11:38 am IST)