Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

નર્મદા કેનાલમાં પાણી ચોરી મામલે ૧૪ અજાણ્યા ખેડૂતો વિરૂધ્ધ ફરિયાદ

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૧૬ : મોરબી જિલ્લામાં નર્મદા કેનાલના છેવાડાના હિસ્સામાં આવતા માળીયા વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતું હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મામલો ગરમાયો છે ત્યારે હળવદ નર્મદા કેનાલમાં પાણી ચોરી થતી હોવાનું સામે આવતા નર્મદા નહેર સૌરાષ્ટ્ર શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા હળવદ તાલુકાના ૧૪ અજાણ્યા ખેડૂતો વિરુદ્ઘ ફરિયાદ કરતા પોલીસ વિભાગ દોડતો થયો છે.

હળવદ તાલુકાના ઈંગોરાળા, અજીતગઢ અને માલણીયાદ ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં પાણી ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતા નાયબ કાર્યપાલક ઇજનેર મોતીલાલ રાઠી સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગ હળવદ દ્વારા ૧૪ અજાણ્યા ઈલેકટ્રીક સબમર્સીબલ પંપના માલિક વિરુદ્ઘ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છે કે,નર્મદા કેનાલમાં પાણી ચોરી થતી હોવાથી હાલમાં માળીયાના છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચતું ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે ધારાસભ્ય, સાંસદસભ્ય દ્વારા સરકારને સતત રજુઆત અને ફરિયાદ થઈ રહી હોય સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યો છે,નર્મદા વિભાગના ઈજનેર દ્વારા હળવદ પોલીસમાં પાણી ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હળવદ દોડી આવ્યા હતા.

(11:37 am IST)