Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સાવરકુંડલા-લીલીયા પંથકમાં વિજ પુરવઠો પુર્વવત ન થાય તો ધરણા

ખેડૂતોને પડતી હાલાકી મુદે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતની ચિમકી

(દિપક પાંધી - ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: સાવરકુંડલા- લીલીયાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવીને સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ખેતીવાડી વિજ પુરવઠો ઠપ્પ થયો છે જે તા.૨૦મી સુધીમાં શરૂ કરવામાં નહી આવે તો ધરણાની ચિમકી ઉચ્ચારી છે.

સાવરકુંડલા - લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 'તોકત' વાવાઝોડાના કારણે તા.૧૭-૫-૨૧ના રોજ ખુબ મોટા પાયે નુકશાન થવા પામ્યુ છે. ખેડુતો માટે હવે આગામી ચોમાસાની સીઝનને કારણે ખેતીલક્ષી કામગીરી શરૂ થઇ ગઇ છે. પરંતુ 'તોકત' વાવાઝોડાના ૨૯ દિવસ બાદ પણ ગ્રામ્ય વિસ્તારના ખેતીવાડી વિજ કનેકશનો પૂર્વવત થયા નથી. જેથી ખેડુતો પારાવાર મુશ્કેલી અનુભવી રહયા છે. ત્યારે આગામી ૨૦/૬/૨૧ સુધીમાં ખેતીવાડી વિજ પુરવઠો પૂર્વવત કરવા ધારાસભ્ય દૂધાતે જીલ્લા કલેકટર અમરેલીને પત્ર પાઠવી માંગ કરી છે. જો તા.૨૦/૬ સુધીમાં ખેતીવાડી વિજપુરવઠો પૂર્વવત નહી થાય તો તા.૨૧/૬નાં વિજવડી પીજીવીસીએલ ખાતે અને તા.૨૨/૬ના ૨૨૦કેવી પાવરહાઉસ કાર્યપાલક ઇજનેરની કચેરી સાવરકુંડલા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચિમકી આપી છે.

(10:37 am IST)