Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બાળાના અપહરણનો પ્રયાસ કરનારાની ચૂંગાલમાંથી છોડાવનાર ખેડૂતનું સન્માન

ઝડપાયેલા આરોપીઓનો કેસ ન લડવા વકીલ મંડળનો નિર્ણય

બાબરા, તા. ૧૬ : અમરાપરામાં રહેતી ૧૧ વરસની બાળકી પોતાની સાયકલ ઉપર સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા ગયા બાદ બે બુકાનીધારીએ તેનું નામ પૂછી તારી સાયકલ તારા પપ્પા પાસે છે તેવું કહી બાઇક ઉપર બેસાડી અપકૃત્ય કરવાના ઇરાદે જાંબની સીમ તરફ બાઇક ભગાડી મુકતા બાળકી દ્વારા રાડારાડ ચીસ નાખવા લાગેલ ત્યારે સામેથી આવતા ખેડૂત લાભુભાઇ મોહનભાઇ પાંભર શંકા જણાતા બાઇક સ્વાર બુકાનીધારીને રોકી બાળકી વિશે પૂછા કરતા બાળકી બોલી મને બચાવો મને ઉપાડી જાય છે. ક્ષણિકનો વિચાર કર્યા વગર ખેડૂતે બાળકીને બાઇક સ્વાર પાસેથી જુટવી લીધી હતી અને અપહરણકાર અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટવા પામેલ હતા.

ખેડૂત દ્વારા બાળકીને પોતાના પરિવારમાં સોંપી આપી અને સઘળી વિગત આપી હતી.

બાળાના વાલી દ્વારા આપેલ ફરીયાદમાં (૧) હસુ રમેશ મેલીયા રે. અમરાપરા વાળા સહિત એક અજાણ્યા શખસનું નામ આપી કલમ ૩૬૩, ૩૬૬ સહિત પોસ્કો એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

ગઇ મોડી રાત્રીના બાબરા અમરેલી પોલીસ દ્વારા મુખ્ય આરોપી હસુ રમેશ મેલીયાને અમરાપરા જાંબની સીમમાં લુપતો છુપાતો ઝડપી લીધા બાદ અન્ય અજાણ્યો એક આરોપી કલ્પેશ ધીરૂ મકવાણા રહે. મધોડીયા તા. ગઢડા વાળાને બાબરા તાલુકાના જામબરવાળા ગામની સીમમાંથી મોડીરાત્રીના ઝડપી લેવામાં આવેલ છે. સ્થાનિક પી.આઇ. રબારી તથા પીએસઆઇ પી.એમ. મોરીના જણાવ્યા મુજબ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી માન્ડ માગવામાં આવશે બાદ બનાવ અંગે સઘળી વિગતનો પર્દાફાશ થવા પામશે.

પોલીસ દ્વારા આરોપી ઝડપી લીધાની વિગતો શહેરમાં ફરી વળતા પોલીસ મથક નજીક લોકોના ટોળા ઉમટી પડયા હતાં અને આરોપીઓને કડક સજા આપવા માંગ કરી હતી.

આરોપીઓ એકબીજા મામા ફુઇના ભાઇઓ હોવાનું અને આર્થિક ભીંસનો સામનો કરી રહ્યાનું લોકમુખે ચર્ચામાં આવ્યું છે. બંન્ને આરોપી પૈકીનો એક સગીરવયનો હોવાનું જાણવા મળે છે.(૮.૧૪)

(4:33 pm IST)