Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગીઓને રાજ્ય સરકાર દ્વારા ૨૬ પ્રકારના લાભ : ડી.જી.પંચમીયા

ધોરાજીમાં ગુજરાત મકાન-બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી શિબિર યોજાઇ

ધોરાજી તા.૧૬ : વાંઝા જ્ઞાતિની વાડી ખાતે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા શ્રમયોગી શિબિર ડી.જી.પંચમીયા (રિજીયોનલ ઓફીસર સૌરાષ્ટ્ર કચ્છ)ના અધ્યક્ષતામાં મળી હતી. આ પ્રસંગે સમારોહના ઉદઘાટક અખિલ ભારતીય પરિવારના રાજુભાઇ એરડા, રાજકોટ નાગરીક બેંકના સભ્ય ચુનીભાઇ સંભવાણી, બોર્ડના રીજીયોનલ નિરિક્ષક જે.સી.વ્યાસ, રાજકોટ જીલ્લા પ્રોજેકટ મેનેજર વિપુલભાઇ જાની, ધોરાજીના માધવજીભાઇ મીયાત્રા, રાઠોડભાઇ વગેરેની હાજરીમાં શિબિરને દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવેલ.

આ પ્રસંગે સમારોહના ઉદઘાટક કિશોરભાઇ રાઠોડ (અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસંઘના રાષ્ટ્રીય અગ્રણી)એ જણાવેલ કે, ગુજરાત સરકાર બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમયોગી માટે ઉદાર છે. ખાસ કરીને આપણા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડને ચેતનવંતુ બનાવેલ છે અને શ્રમયોગીઓને લોન સહાય, શિક્ષણ સહાય, અકસ્માત વિમો, બાંધકામ સહાય વગેરે સહાયો આપવા માટે સરકાર પણ કટીબધ્ધ બની છે ત્યારે શ્રમિકોએ વધુમાં વધુ લાભ લેવા અને આજે સૌરાષ્ટ્ર રીજીયોનમાંથી જે ટીમ ઘરઆંગણે સેવા આપવા આવી છે એનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોર્ડના સૌ.કચ્છના રીજીયોનલ ઓફીસર ડી.જી. પંચમીયાએ જણાવેલ કે બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગીઓને બોર્ડ દ્છારા ૨૬ પ્રકારના લાભો આપવામાં આવે છે. જેના માટે દરેક શ્રમયોગીઓએ પ્રથમ યુ.વીન કાર્ડ ઓળખ માટે મેળવવાનું રહેશે. જે ઓળખપત્ર સમગ્ર ગુજરાતમાં કોમન અને રોમીંગ રહેશે. આ કાર્ડ મેળવ્યા બાદ દરેક શ્રમીકોને બોર્ડ દ્વારા રૂ. ૩ લાખનો વીમો રૂ. ૧.૬૦ લાખ જેવી મકાન બાંધકામ સહાય, હંગામી આવાસ યોજના, બાંધકામ વ્યવસાયીક તાલીમ, શ્રમયોગી ૬૦ વર્ષ પુરા કરે બાદ દર માસે રૂ.૧૦૦૦નું માસિક પેન્શન, પ્રધાનમંત્રી વિમા યોજનામાં ૧૬૫ રૂપિયા ત્રિમાસિક બોર્ડ ભરશે. બિમારી સબબ ૩ લાખની સહાય વગેરે ૨૬ પ્રકારની સહાય બોર્ડ દ્વારા ચુકવવામાં આવે છે. જેનો વધુમાં વધુ લાભ લેવા જણાવેલ હતુ.

આ તકે રીજીયોનલ નિરિક્ષક જે.સી.વ્યાસએ જણાવેલ કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા દરેક જીલ્લામાં શ્રમયોગી શિબિર બોલાવી વધુમાં વધુ શ્રમીકોને લાભ આપવામાં આવે છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ લાભ સૌરાષ્ટ્રના શ્રમીકોએ લીધો છે. આ માટે અમારી સૌરાષ્ટ્રની રિજિયોનલ ઓફીસના તમામ અધિકારી કર્મચારીઓ જાગૃત છે.

પ્રોજેકટ મેનેજર વિપુલભાઇ જાની ધોરાજીમાં યોજેલ શિબિરમાં આવેલ શ્રમયોગીઓને વિનામુલ્યે યુ.વીન કાર્ડ અને નવા શ્રમીકોના નામ નોંધવા માટે મહત્વનો ફાળો આપ્યો હતો.

આ સમારોહમાં ૧૫૦ બાંધકામ શ્રમીકોને નોંધણી બુક કિશોરભાઇ રાઠોડ, ડી.જી.પંચમીયા, રાજુભાઇ એરડા, ચુનીભાઇ સંભવાણી, જે.સી.વ્યાસ, વિપુલભાઇ જાની, માધવજીભાઇ મિયાણ વગેરેના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતી અને બાંધકામ શ્રમીકોના નવા નામ નોંધવામાં આવેલ હતા. શિબિરનું સંચાલન વિપુલભાઇ જાની, માધવજીભાઇ મિયાણએ કરેલ હતુ અને મોટી સંખ્યામાં બાંધકામ શ્રમીકો ઉમટી પડયા હતા.

(11:31 am IST)