Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

જુનાગઢનાં શાપુરમાં ૧૪૦ બાળકોને શાળામાં પ્રવેશ અપાવતા ડો.સૌરભ પારઘી

જૂનાગઢ, તા. ૧૬: જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં શાપુર ગામે યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવમાં જિલ્લા કલેકટર ડો. સૈારભ પારઘી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. પારઘીએ ધો-૧માં પ્રાથમીક કક્ષામાં ૪૦ કુમાર અને ૩૨ કન્યાઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો. જયારે જવાહર વિનયમંદિરમાં ધો-૯માં ૫૦ કુમાર અને ૫૦ કન્યાઓને શાળા પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે ડો. પારઘીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની વિગતો આપી દરેક પરિવારમાં કોઇ બાળકને શિક્ષણથી વંચિત ના રહે તેની વાત કરી રાજય સરકાર દ્વારા શિક્ષણની વિવિધ યોજનાકીય બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. કલેકટરશ્રીએ પુસ્તક, દફતર અને પેન પેન્સીલની કીટ સાથે વિદ્યાર્થીઓને આપી શાળા પ્રવેશ અપાવ્યો હતો. આંગણવાડીનાં ભુલકાઓને રમકડાની કીટ અને સુખડી અર્પણ કરી આવકારી શાપુર ગામનાં ગ્રામજનોને અને વિદ્યાર્થીઓને સંબોધતા કલેકટરશ્રીએ જણાવ્યું કે, કોઈપણ સમાજ રાજય અને રાષ્ટ્રના તંદુરસ્ત વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. સરકારે રાજયના વિકાસમાં પ્રાથમિક શિક્ષણની જવાબદારી સ્વીકારી છે ત્યારે તેને સાર્થક કરવા દરેક વાલીએ, સામાજીક આગેવાનો જાગૃતિ કેળવી શિક્ષણમાં મહત્વનું યોગદાન આપી પોતાના બાળકને નિયમિત નિશાળે મોકલવા જોઈએ તથા અધ વચ્ચેથી શિક્ષણ છોડી ન દે તેની સંપૂર્ણ કાળજી રાખી પોતાની સામાજીક જવાબદારીને સૂપેરે નિભાવવી જોઈએ. શિક્ષણ વિના વિકાસ થઇ શકે નહિ. ગામ અને ભાવિ પેઢીના વિકાસ માટે શાળા એ તો સંસ્કારનું સિંચન કરતુ પરબ છે. ભાવિ પેઢીના દ્યડતરમાં શિક્ષણનો પાયો મજબૂત કરવા રાજય સરકાર કટિબધ્ધ છે. રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રયાસને કારણે પ્રાથમિક શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો દ્યટ્યો છે. ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગણવેશ, પાઠ્યપુસ્તક અને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ શાળાઓમાં બાળકોને ઇન્ટરનેટના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવે છે. છેવાડાના માનવીનું બાળક શિક્ષણ મેળવી શકે તે માટે સીમશાળાઓનો પ્રારંભ રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શિક્ષિત ઘર અને સમાજની સતત ઉન્નતિ થાય છે. ત્યારે કોઈ પણ વ્યકિત શિક્ષણથી વંચિત રહી ન જાય તે માટે  વાલીઓ, આગેવાનો,  ખાસ કરીને શિક્ષકોએ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણિકતાથી  વિશેષ ધ્યાન આપવુ પડશે.  વર્ષ દરમ્યાન શાળામાં અભ્યાસક્ષેત્રે તેજસ્વીતા દાખવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનીત કરાયા હતા. પ્રાથમિક શાળાની બાળાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરાયા હતાં.

(11:29 am IST)