Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરના સાહસિક યુવાનોએ ૧૪૦૦૦ ફુટની ઉંચાઇએ માઇનસ ૧૦ ડિગ્રીએ કઠિન ઉંચાઇ સર કરી યુવાનો માટે નવી પ્રેરણા આપી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર  : જામનગરના ૯ તરવરિયા યુવાનોએ ભારતના સૌથી ઉંચાણ અને કઠિન મનાતા ૫ ટ્રેકિંગ સ્‍થળોમાંના સારપાસ પર્વત પર ૧૪,૦૦૦ ફૂટની કઠિન ઉંચાઇએ સફળતા પૂર્વક ટ્રેકિંગ કરી આવ્‍યા છે. ભર ઉનાળે જયાં પર્વતની ટોચ પર માઈન્‍સ ૧૦ ડિગ્રી તાપમાન હોય છે. ખુબજ ઓક્‍સિજન ની પર્વતારોહણ વખતે ખામી પણ જોવા મળે છે. અને અહી હિમવર્ષા પણ સતત વરસતી રહે છે. વાતાવરણમાં અવાર - નવાર તોફાન નો પણ ટ્રેકિંગ કરનારા લોકોને સામનો કરવો પડે છે.

જામનગરના નિલેશ ડાંગરીયા, પિયુષ ડાંગરીયા, પિયુષ પટોડીયા, નિલેશ ગોપાણી, દિગ્નેશ હરસોડા, જયેશ છાત્રોડિયા, નિલેશ ત્રિવેદી, કર્તવ્‍ય બારડ, તેજસ વરસાણી સહિતના ૯ યુવાનો ૨ મે થી ૮ દિવસના અંતે ભારતના સૌથી કપરા અને ઊંચા પર્વત સારપાસને ટ્રેક કરી સર કર્યો છે. ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ ભર ઉનાળે કડકડતી ઠંડી વચ્‍ચે જામનગરના ૯ યુવાનોએ ખૂબ જ ઓછા ઓક્‍સિજન સાથે કપરી સફર પૂર્ણ કરી જામનગર પરત ફર્યા છે.

ભારતમાં પ્રવાસન માટે ઉત્તમ ગણાતા હિમાચલ પ્રદેશના કસોલ બેસ કેમ્‍પથી સારપાસ પર્વત પરનું અંદાજિત ૬૫ કિલોમીટરનું ટ્રેકિંગ કરવામાં આવે છે. જામનગરના ૯ યુવાનોએ ૧૭૦૦ કિલોમીટર હવાઈમાર્ગે થઈને પહોંચી કઠિન ટ્રેકિંગ કર્યું છે.૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા સારપાસ પર્વત ના ૧૧ હજાર ફૂટ બાદ માનવ વસાહત પણ નથી. અને ત્‍યાંથી ચઢાણ પણ ખૂબ કપરૂં છે.

છેલ્લા ચાર વર્ષથી જુદા - જુદા કઠિન ટ્રેકિંગ કરતા નવયુવાનો અગાઉ હમતાપાસ બાદમાં વેલિ ઓફ ફલાવરની ટ્રેકિંગ બાદ કોરોનાનાં કપરા સમય પછી સારપાસ પર્વતનું ટ્રેકિંગ સફળતા પૂર્વક કર્યું છે. આવનારા સમયમાં હજી પણ આ પ્રકારના હજી પણ કઠિન ટ્રેકિંગ માટે તૈયારીઓ કરી રહ્યા છે. જામનગરના યુવાનોએ અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયાને જણાવ્‍યા પ્રમાણે તેઓ અવાર નવાર ગિરનાર પર પ્રેક્‍ટિસ માટે જાય છે. અને કઠિન પર્વતો પર આસાનીથી ટ્રેકિંગ માટે વર્ષ દરમ્‍યાન ૪ થી ૫ વખત ગિરનાર પરનું ટ્રેકિંગ કરે છે. અત્‍યાર સુધીમાં ત્રણ ટ્રેકિંગ કરી તાજેતરમાં જ સારપાસ પર્વતની ૧૪,૦૦૦ ફૂટની કઠિન ઉચાઈએ પહોંચી જામનગર પરત ફરેલા યુવાનોને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(1:26 pm IST)