Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મંદીમાં ટકી રહેવા ગેસના ભાવ ઘટાડવા જરૃરી

મોરબી સિરામીક ઉદ્યોગકારોએ કરી રાજ્યમંત્રીને રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૬: મોરબી સીરામીક ઉદ્યોગમાં હાલ ઘેરી મંદી પ્રવર્તી રહી છે. જેમાં હાલ ડોમેસ્ટિક માર્કેટ અને એકસપોર્ટમાં મંદીને કારણે ટાઇલ્સની માંગમાં ઘટાડો થયો હોય ઉપરથી છેલ્લા છ મહિનામાં ગેસના ભાવ ઉપરાઉપરી વધતા સીરામીક ઉદ્યોગના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયો હોવાથી ગેસના ભાવો ઘટાડવા માટે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રાજયમંત્રીને રજુઆત કરતા તેમણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો છે.

મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, હાલ બિલ્ડીંગ મટીરીયલમા લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરે મટીરીયલના ભાવમા અતિશય વધારો થતા બાંઘકામ ક્ષેત્રેમા તેની માઠી અસર પડતા ડોમેસ્ટીક બજારમા છેલ્લા ૪-૫ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦% જેવી ઘટી ગઈ છે તેમજ એકસપોર્ટમા છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એકસપોર્ટમા પણ ઘટાડો થયો છે, હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુઘ્ઘના કારણે છેલ્લા ૬ મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબજ વઘવાથી ચાઈના સામે વૈશ્વિક લેવલે એકસપોર્ટમાં પણ ટકી રહેવુ એક મોટી મુશ્કેલી છે, માટે ઉદ્યોગોને હાલની આવી સમસ્યામા બજારમા ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે તે માટે રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાને મોરબીના સર્કિટ હાઉસ ખાતે રૃબરૃ મળી સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ઉદ્યોગકારોએ વિગતવાર રજુઆત કરી હતી. રાજયમંત્રીએ આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં હકારાત્મક અભિગમ સાથે આ બાબતે યોગ્ય કરવાનું જણાવ્યુ હતું.

(1:26 pm IST)