Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કોડીનારના કડોદરાની પરિણિતાનું સાસરીયાના ત્રાસે મોતઃ તળાજાના પ્રોફેસર અને અજાણી યુવતિ વિરૂધ્‍ધ ફરિયાદ

કોડીનાર,તા. ૧૬ : તળાજાની સરકારી વિનયન કોલેજના પ્રોફેસર અને અન્‍ય એક અજાણી વ્‍યક્‍તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં પ્રોફેસરના સાળાએ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીની બહેનને પ્રોફેસર પતિએ પહેલા દહેજ બાબતે અને બાદ અન્‍ય યુવતી સાથેના સંબંધ બંધાતા એ યુવતીને ઘરમાં બેસાડવાની હોય તેથી પત્‍નીને ગોંધી રાખી, માર મારી, ભુખી રાખી હતી. જેની જાણ પિયર પક્ષને થતા તળાજાના ઠળિયા ગામે ગોંધી રખાયેલ બહેનને સારવાર અર્થે તળાજા, કોડીનાર અને ત્‍યાંથી જુનાગઢ સારવાર માટે લઈ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન મૃત્‍યુ થવા પામી હતી. પોલીસે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

તળાજા મહુવા સહિત જિલ્લાના ઉચ્‍ચ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવતા બનાવની તળાજા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ ભરત નારણભાઈ પરમાર ઉમર વર્ષ ૩૨ રે. કડોદરા, તા. કોડીનાર વાળાએ તળાજા ની સરકારી વિનયન કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા બનેવી દેવજીભાઈ નાનજીભાઈ મારુ અને અન્‍ય એક અજાણી વ્‍યક્‍તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીનો આરોપ છે કે, પોતાની બહેન હંસાબેન ના લગ્ન ૧૬ વર્ષ પહેલા તળાજાના ઠળિયા ગામ ના મૂળ રહેવાસી દેવજીભાઈ નાનજીભાઈ મારુ સાથે થયા હતા. તે સમયે તેઓ ઢસા ખાતે કોલેજમાં પ્રોફેસર હતા. પગાર ૨૫૦૦ રૂપિયા હતો. જેને લઇ પત્‍ની હંસાબેન ને અવારનવાર પૈસા લઈ આવવાનું કહેતા હતા. આથી પિયર પક્ષેથી આખા વર્ષનું અનાજ કરિયાણું ઘરસંસાર બહેનનો વ્‍યવસ્‍થિત ચાલે તે માટે આપવામાં આવતો હતો. બાદ તળાજા સરકારી વિનયન કોલેજમાં નોકરી મળી હતી. મહુવાની મધુવન રેસીડેન્‍સીમાં મકાન લેવા માટે પણ રૂપિયા લાવવાનું કહેતા અને ત્રાસ ગુજારતા હતા. એ સમયે હંસાબેનના ભાઈઓ પાસે રૂપિયા ન હોય મહુવા મકાન બનતું હતું ત્‍યાં આવી સાળાએ મજૂરી કામ કરેલ. બાદ વતનની જમીન વેચાતા ભાઈઓ અને પિતા દ્વારા નવ લાખ રૂપિયા આપવામાં આવ્‍યા હતા.

એ સમય દરમિયાન કોલેજમાં આવતી યુવતી સાથે સંબંધ બંધાતા તેને ઘરમાં બેસાડવાની હોય આથી પ્રોફેસર દ્વારા પત્‍ની હંસાબેનને ઘરમાં ગોંધી રાખી, માર મારવામાં આવતો હતો. જમવાનું ન આપીને બાંધી દેવામાં આવતી હતી. આ બાબતની જાણ પ્રોફેસર દેવજીભાઈ મારુંના સાળાને થતાં કોડીનારથી પરિવારજનો સાથે ઠળિયા આવ્‍યા હતા. ગત તારીખ ૨૯/૪ના રોજ આવી ઠળિયા ગામેથી હંસાબેનનો કબજો લઇ પ્રથમ તળાજા, કોડીનાર બાદ જુનાગઢ સારવાર અર્થે લઈ જવામાં આવેલ. સારવાર દરમિયાન ઘટી ગયેલ રોગ પ્રતિકારક શક્‍તિ તેને કારણે શરીરના અવયવો ડેમેજ થઈ જતા સારવાર કારગર ન નિવડતા હંસાબેન નું બે દિવસ પહેલા મૃત્‍યુ થયું હતું. બનાવના પગલે તળાજા પોલીસે આઇપીસી કલમ ૩૦૪,૪૯૮ એ,૩૪ મુજબ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:18 am IST)