Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પોરબંદર જિલ્લામાં ખેડૂતોને બીજ નિગમ દ્વારા રાહતદરનું બિયારણ આપવા રજૂઆત

પોરબંદર, તા.૧૬: જિલ્લામાં ખેડૂતોને ગુજરાત બિજ નીગમ દ્વારા રાહતદરે પુરતા પ્રમાણમાં મગફળીનું બિયારણ ફાળવવા યુવક કોંગ્રેસના પુર્વ પ્રમુખ દેવશીભાઇ મોઢવાડિયાની માંગણી તથા ટેકાના ભાવે ખરીદેલ મગફળીમાંથી ગુણવત્તાયુકત મગફળી અલગ તારવીને ખેડૂતોને ફાળવવા અનુક્રમે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લેખિત રજુઆત કરી છે.

પોરબંદર જિલ્લાના ૮૦ ટકા જેટલા ખેડૂતો ચોમાસુ પાક તરીકે મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે. ગતવર્ષે અપુરતા વરસાદને કારણે તેમજ સિંચાઇની સવલતોના અભાવે ખેડૂતોએ વાવેતર કરેલ મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય મોટાભાગના ખેડૂતો પાસે આગામી દિવસોમાં ચોમાસુ પાકમાં વાવેતર કરવા માટે મગફળીનું બિયારણ ઉપલબ્ધ નથી. ગુજરાત સરકારના કૃષિ વિભાગે પોરબંદર જિલ્લાના ખેડૂતોના આ પ્રશ્નને ગંભીરતાથી લઇ ગુજરાત બિજ નિગમ દ્વારા ગુણવત્તાયુકત મગફળીના બિયારણનો જથ્થો સહકારી સંસ્થાઓ મારફત ખેડૂતોને રાહતદરે સમયસર ફારવવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની રજુઆત કરી છે.

(11:46 am IST)