Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ઉમરડા ગામમાં ખનીજ ચોરી કરનારા સામે મહિલાઓને ધમકી અપાય છે?

વઢવાણ તા. ૧૬ :.. ઝાલાવાડમાં ખનીજ ચોરી અટકાવવા માટે પોલીસ અને ખનીજ ખાતુ સક્રિય બન્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ઉમરડા ગામમાં માલધારીઓને ખનીજ માફીયાઓ હેરાન પરેશાન કરી રહ્યા છે. આ અંગે અવારનવાર પોલીસને રજૂઆત કરવા છતાં કોઇ પગલા લેવાયા હતાં. આથી અંતે મુળી તાલુકાના ઉમરડા ગામની માલધારી સમાજની મહિલાઓ બુધવારના રોજ ડીએસપી કચેરીએ દોડી આવી હતી. જેમાં શાંતિબેન રણછોડભાઇ રબારી સહિત માલધારી મહિલાઓએ ડીએસપીને રજૂઆત કરી હતી.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉમરડા ગામના આઠ શખ્સો મોટાપાયે નદીમાં રેતીનું ખનન અને વહન કરી રહ્યા છે. આ શખ્સો અવારનવાર જુદા જુદા મોબાઇલ નંબરોમાંથી મહિલાઓને બિભત્સ ધમકીઓ આપે છે અને હથિયારો સાથે મારી નાખવાની વાતો પણ કરે છે. મહિલાઓને ખનીજ માફીયાઓ અને વ્યાજખોરો પજવણી કરતા હોવાથી હીજરત કરવાનો વારો આવ્યો છે, આથી આ મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે પગલા લઇ રક્ષણ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મહિલાઓની રજૂઆત સાંભળી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ તપાસના આદેશો આપતા દોડધામ મચી છે.

(11:44 am IST)