Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

લાઠી પંથકમાં સિંહની પજવણી કરનાર બાઇક ચાલક અને વનવિભાગનો ટ્રેકર સકંજામાં

અમરેલી તા.૧૬: મીડિયામાં સિંહની પજવણી કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જોવા મળતા દ્રશ્યોમાં બાઇક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવતો વિડીયો વાયરલ થયો છે. સિંહને ખોરાક માટે બાઇક પાછ ળ દોટ મુકાવતા સિંહની પજવણી ખુલ્લેઆમ થઇ રહી છે. આ વિડીયોમાં ખોરાક માટે સિંહો બાઇક પાછળ આવતો હોવાનો વીડિયો જોવા મળે છે.

અમરેલી જીલ્લાના લાઠી નજીક એક શખ્સ દ્વારા મોટર સાયકલ પાછળ મારણ બાંધી સિંહને મોટર સાયકલ પાછળ દોડવા મજબુર કરી બાઇક પુરપાટ ઝડપે ચલાવી સિંહોને પજવવાના જે પ્રયાસ થયેલ તેનો વિડીયો વાયરલ થતા રાજ્યનાં વન વિભાગનાં મુખ્ય વન સંરક્ષક દ્વારા આ મામલાની તટસ્થ તપાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગીરના જંલમાં ગેરકાયદે લાયન શોના અનેક બનાવો બાદ વનવિભાગ આકરા પાણીએ થયું અને સિંહની પજવણી કરનારાઓની સામે કાયદાનો દંડો ઉગામ્યો હતો. આમ છતાં ગેરકાયદે લાયન શો જંગલમાં ધમધમી રહ્યા છે. હાલમાં લાઠી પંથકમાં બાઇક પાછળ મારણ બાંધીને સિંહને કુતરાની માફક દોડાવતો વિડીયો વાયરલ થતાં વનતંત્ર સાબદુ  થઇ ગયું હતું અને સિંહની પજવણી કરનારા રાજકોટ પાસિંગના બાઇક ચાલક વનવિભાગના જ ટ્રેકરને સકંજામાં લઇ લીધો છે.

લાઠી પંથકમાં બાઇકની પાછળ મૃત વાછરડાને બાંધીને સિંહને લલચાવતો વિડીયો વાયરલ થયો હતો. ગેરકાયદે લાયન શોનો વધુ એક વિડીયો વાયરલ થતા વનવિભાગ હરકતમાં આવી ગયો હતો. જાણવા મળતી વિગતો મુજબ આ વિડીયો લાઠી પાસેનું મતીરા રાઉન્ડની લુહારીયા વીડી પાસે આવેલા કૃષ્ણનગર હનુમાન મંદિરના પાછળના ભાગે આવેલા વિસ્તારનો છે.

દરમિયાન પાંચ-સાત યુવાનો બાઇક પર આવ્યા હતા ત્યારે એક રાજકોટ પાસિંગના બાઇક ચાલકે બાઇક પાછળ મૃત વાછરડાને બાંધીને ઢસડી સિંહ નજીક લઇ ગયો હતો. ત્યારબાદ મારણની લાલચમાં સિંહ કુતરો બની દોડતો વિડીયોમાં કેદ થઇ ગયો હતો. આ વિડીયો વાયરલ થતાં જ વનવિભાગના સીસીએફ વસાવડાએ તપાસના આદેશ આપ્યા હતા. જેના પગલે બાઇક નંબરના આધારે વનવિભાગે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. વનવિભાગની પ્રાથમિક તપાસમાં જ રાજકોટ પાસિંગનો બાઇક ચાલક વનવિભાગનો ટ્રેકર હોવાનું ખૂલ્યું હતું. જેને આધારે વનવિભાગે સિંહની પજવણી કરી ગેરકાયદે લાયન શો કરનારા ઘરના જ ઘાતકી એવા વનવિભાગના ટ્રેકરને સકંજામાં લઇ લીધો હતો.

(11:41 am IST)