Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આર્થિક તંગીની વચ્ચે રાજયમાં વધુ એક ખેડૂત દ્વારા આપઘાત

જામનગરના ધ્રોલના મોટાવાગુદડ ગામનો બનાવ : ખેડૂતે આત્મહત્યા કરતાં પહેલા ચાર પાનાની ચિઠ્ઠી લખી બનાવને લઇ વિપક્ષી કોંગ્રેસના ભાજપ સરકાર પર પ્રહારો

અમદાવાદ,તા. ૧૬ : રાજયમાં આર્થિક તંગીના કારણે વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી લેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. જામનગરનાં ધ્રોલ તાલુકાના મોટાવાગુદડમાં એક ખેડૂતે આર્થિક સંકડામણને કારણે કંટાળી આત્મહત્યા કરી લીધી છે. આ બનાવને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. ખેડૂતે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. મૃત ખેડૂતને ૩ સંતાનો છે અને સગીર વયનાં છે. ગળેફાંસો ખાતા પહેલા ખેડૂતે ૪ પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં તેમણે પોતાની આપવીતી જણાવી છે. ખેડૂતે લખ્યું કે 'હું મારી જવાબદારી પૂરી કરી શક્યો નહી. વીજ જોડાણનાં ટેન્શનથી જીવનલીલા સંકેલું છું.' તેવું ૪ પાનાની સુસાઇડ નોટમાં લખ્યું છે. ત્રણેય સંતાનોએ પિતા ગુમાવતા શોકનું વાતાવરણ ફેલાઇ ગયું છે. રાજયમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને જવાબદાર ગણાવી આકરા પ્રહારો કરાયા હતા. જામનગરનાં ધ્રોલ તાલુકાનાં મોટાવાગુદડનાં ખેડૂત મનસુખ મગનભાઇ ભૂતે આપઘાત કરતા પહેલા ૪ પાનાની હદયને હચમચાવી દેનારી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, 'આજરોજ મારૃં જીવન પુરૃં થાય છે. વાડીમાં વીજ કનેકશનમાં ફેરકાર ન થઇ શકતા, હું અભાગી બાપ વધારે ટેન્શન આવવાથી આપઘાત કરું છું.' તેમણે પોતાના મોત માટે કોઇને પણ જવાબદાર ઠેરવ્યા નથી અને લખ્યું છે કે, 'આમાં કોઇનો વાંક નથી, આથી કોઇને હેરાન ન કરતા.' તેમ જણાવતા તેમણે મિત્રો અને પરિવારજનોને પોતાના સંતાનોનું ધ્યાન રાખવા તેમજ પરણાવવાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી. તેમણે લખ્યું કે, 'આ બધી ઇશ્વરની લીલા છે. મને માફ કરી દેજો.' ખેડૂતે લખેલી સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે,જય ઉમીયાજી. મારા ભાઇ કુંટુંબને જણાવવાનું કે, આજરોજ મારૃં જીવન પુરૃં થાય છે. મને વધારે ટેન્શન આવવાથી હું આવું પગલું ભરૃં છું. આમાં કોઇનો દોષ નથી. ખાસ જણવવાનું કે મારા છોકરાનું ધ્યાન રાખશો. હું અભાગી બાપ છું કે મારા છોકરાનાં લગ્ન ન કરી શક્યો. ખાસ ભાયુને જણાવવાનું કે આઠેય ઘરને જવાબદારી આપું છું કે મારા દીકરા-દીકરીને પરણાવી દેજો. મને વધારે ટેન્શન આવી જવાથી હું આ પગલું ભરૂ છું. આમા કોઇનો વાંક નથી. ખાસ પોલીસ ખાતાને જણાવવાનું કે આમા કોઇને હેરાન ન કરતા, હું મારી જવાબદારી પૂરી ન કરી શક્યો. મને માફ કરજો. જેવી ઇશ્વરની મરજી. મારી પાછળ શોક ન રાખશો. મારા બધા ભાયુને જણાવવાનું કે તમે મારા ઘરનું ધ્યાન રાખજો. મે કોઇનું ખરાબ નથી કર્યું. માટે જે થવાનું એ થાય. આ બાને મારૃં મોત હશે. આ તો ઇશ્વરની લીલા છે. આમા કોઇનું ચાલે નહીં. ખાસ જણાવવાનું કે, વેલજીકાકા, હરખાભાઇ, દલસુખભાઇ, જયસુખભાઇ, નટુભાઇ, અમરસીભાઇ, ચમનભાઇ, મહેશભાઇ, દેવશીભાઇ, નરેશભાઇ આ બધાને મારી જવાબદારી આપુ છું અનીલભાઈ. જમીન વાવવા આપી દેજો. રાજભા બાપુને ખાસ જણાવવાનું કે વાડીનું કનેક્શન સુધારી આપશો. બસ એ જ રજૂઆત. જીઈબીમાં ગયો'તો પણ સબસીડી ન સુધરવાને કારણે મને વધારે ટેન્શન આવી ગયું એટલે આ પગલું ભરું છું. ખાસ જણાવવાનું કે મારે વાડીનાં કનેકશનમાં થોડો ફેર છે તો એ આપણા રાજભાબાપુને કહીને કરાવી આપશો. મારી આ યાદી રાજભાબાપુને આપજો. અરજીમાં ફેરફાર હોવાથી કનેક્શન નંબર સરખો કરાવી આપશે. મારી કોઇ ભૂલ થઇ હશે ઉપર સુધી રજૂઆત કરીને સુધારી દેજો. આ બધાને મારા છેલ્લા નમસ્કાર, હવે ભેગા થવાના નથી. મારા દીકરા મને માફ કરી દેજો. હું તમારા માટે કંઈ ન કરી શકયો. અભાગી બાપને માફ કરી દેજો. જેવી ઇશ્વરની લીલા. રાજયમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાને પગલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિને જવાબદાર ગણાવી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

(8:10 pm IST)
  • કર્ણાટક ચૂંટણીમાં નવો વણાંક : રાજયપાલ વજુભાઈએ કોઈપણ પક્ષને મળવાનો ઈન્કાર કર્યો : ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જ કોઈ નિર્ણય લેશે access_time 5:24 pm IST

  • દિલ્હીમાં તોફાની પવન સાથે વરસાદની આગાહીઃ ગઇ રાત્રે તુટી પડેલ : આજે દિલ્હી- એનસીઆરમાં જોરદાર પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહીઃ કાલે મોડી રાત્રે રાજધાનીમાં જોરદાર વાવાઝોડા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડેલ access_time 12:30 pm IST

  • મરાઠી ફિલ્મ 'પાની 'ને પ્રોડ્યુસ કરશે પ્રિયંકા ચોપડા :35 વર્ષીય પ્રિયંકા આ ફિલ્મને પોતાના બેનર 'પર્પલ પેબલ પિક્ચર્સ 'હેઠળ પ્રોડ્યુસ કરશે ;પ્રિયંકાએ ટ્વીટ કરી જાણકારી આપી :ફિલ્મનું દિગ્દર્શન આદિનાથ ઠાકોર કરશે :આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત હશે :આ ફિલ્મ મારફત મહારાષ્ટ્રની હાલની પાણીની સમસ્યા દર્શાવાશે access_time 12:54 am IST