Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જૂનાગઢમાં ખોટા કેસ સામે ભારત સાધુ સમાજની મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢ તા. ૧૬ : ભારત સાધુ સમાજના અધ્યક્ષ ગોપાલાનંદજી મહારાજ અને પ્રવકતા તનસુખગીરીએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવેલ કે, જૂનાગઢ સોનરખ નદી ઉપરનું બાંધકામ વનવિભાગના એસ્ટીમેન્ટ અને ગ્રાન્ટ દ્વારા કામ અને નડતા વૃક્ષોના લાકડા વન વિભાગના ગેસ્ટ હાઉસ ખાતે જમા કરાવેલ છે. છતા વન વિભાગે ખોટા કેસ ઉભા કરેલ છે. તેની સામે સાધુ સમાજે સખ્ત વિરોધ નોંધાવેલ છે.

ભારત સાધુ સમાજના અધ્યક્ષ શ્રી મહંત ગોપાલનંદજી બાપુ અને પ્રવકતા શ્રી મહંત તનસુખગીરી બાપુએ રજૂઆતમાં જણાવેલ છે કે હાલમાંજ જે સરકારશ્રી અને મુ.મંત્રીશ્રીની જળ સિંચાઇ યોજના સુજલામ સુફલામ, અંતર્ગત ગિરનાર રોડ ઉપરના પવિત્ર દામોદર કુંડ પાસેની સોનરખ નદી પાસેના મુચક્રંદ મહાદેવ ધર્મસ્થાન નજીક ચેકડેમ અને જગ્યામાં જવા માટેનો રસ્તો જે તંત્ર દ્વારા બનાવાઇ રહ્યો હતો અને જૂનાગઢ વન વિભાગની દેખરેખ અને વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ એસ્ટીમેન્ટ અને સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ કામ હાથ ધરાયુ હતુ. જેમાં જગ્યાને જોડતો પુલ અને યાત્રિકોને સ્નાન માટેનો ઘાટ બનાવવા અને ઉપરવાસની ગટરના નિકાલ માટેની પાઇપ લાઇન વગેરે કામો છેલ્લા ત્રણ થી ચાર માસ દરમિયાનથી શરૂ થયા હતા. જેમાં નદીની સફાઇ અને ઝાડી ઝાખરા હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જે કામ છેલ્લા ઘણા સમયથી શરૂ હતુ જે બાબતથી વન વિભાગ પણ અજાણ ન હતુ પરંતુ વન વિભાગના સ્ટાફે સ્થળ ઉપર ઘસી આવી ખોટા આક્ષેપો સાથે કામને બંધ કરાવવા સંતો સામે બાંગ પોકારી ખોટી ફરીયાદ કરી કામને બંધ કરાવી દેતા સાધુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.

ભારત સાધુ સમાજના પ્રમુખ ગોપાલનંદજી બાપુએ વધુમાં જણાવેલ છે કે, વનવિભાગની આ ખોટી ફરીયાદ અને વૃક્ષ કટીંગનો જે ખોટો કેસ કરેલ છે. તે બાબતે જણાવેલ છે કે આ કામ છેલ્લા ઘણા સમયથી શરૂ હતુ અને નદીમાં નડતા વૃક્ષોનું જે કટીંગ થયેલ છે. તે તમામ લાકડા વન વિભાગની નિગ્રાનીમાં તેમના ગેસ્ટ હાઉસ ખાતેના ડેપોમાં જમા કરાવેલ છે. ત્યારે ખોટી કનડગત થઇ રહી હોય તેની સામે વિરોધ નોંધાયેલ છે.

નદીમાં ઠલવાતા કેમિકલ્સ સામે તંત્રનું મૌન

છેલ્લા ત્રણ વર્ષથી ઉબેણ નદીમાં કેમીકલયુકત પાણી ઠલવાતુ હોય જેના કારણે જૂનાગઢ જિલ્લાના ૨૫ ગામોના લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે અને તેમની આજીવીકા સમાન ખેતીની જમીનોનું નાશ થઇ રહ્યો છે અને મુંગા પશુ પક્ષીઓ નાશ પામી રહ્યા છે. વારંવાર આવી રજૂઆત હોવા છતા તંત્ર નિંદ્રાધીન છે. તેમ શ્રીમતી શારદાબેન ડી.ગજેરા (સદસ્ય શ્રી જિલ્લા પંચાયત)એ જણાવી પગલા લેવા માંગણી કરી છે.

યોગ થેરાપી કેમ્પ યોજાયો

સ્વામી મિલન ગુરૂજીના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક યોગ થેરાપી અને હિલીંગ થેરાપી નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. બોડીપેઇન, સ્નાયુના દુઃખાવા, સાઇટીકા, કમર ઘુંટણ, સ્ટ્રેસ, અનિંદ્રા વગેરેના દર્દીઓએ આ કેમ્પમાં ભાગ લીધો અને કોસ્મિક હિલીંગ વડે સફળતાપુર્વક પોતાના દુઃખ દર્દ માંથી મુકત થવાનો માર્ગ મેળવ્યો અને માનસિક સ્થિતિનો શરીર પર પ્રભાવ અને તેનાથી ઉત્પન્ન થતા રોગો, હેલ્ધી ડાયેટ, સેલ્ફ હીલીંગ, સુર્યકિરણ ચિકિત્સા, સુર્ય ત્રાટક વગેરેનું જ્ઞાન મેળવ્યું હતુ.

બાળકો માટે ડ્રોઇંગ કોમ્પીટીશન

બુધ્ધ એજયુકેશન એન્ડ હોબી ઝોન દ્વારા ડ્રોઇંગ કોમ્પીટીશનનું પ થી ૧૫ વર્ષના બાળકો માટે તા. ૨૦ મીએ સવારે ૯-૩૦ થી ૧૨ આયોજન કરેલ છે. પાણી બચાવો અને સ્વચ્છ ભારત વિશે ડ્રોઇંગ દોરવાના રહેશે. વધુ વિગતો માટે ધર્મેશભાઇ મો. ૯૯૯૮૩ ૯૦૭૬૫ અથવા નમ્યા ધામેચા મો. ૯૪૦૮૨ ૩૦૬૪૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(11:49 am IST)