Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પુર્વ મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ

ખંભાળિયા, તા.૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં ૨૪ ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર ૨ ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે ૨૨ ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી.

તાજેતરમાં ભારતીય સેના દ્વારા સીમાપરના ત્રાસવાદ ફેલાવતા ઠેકાણા પર સર્જીકલ સ્ટ્રાઇક બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જુથો દેશના મહત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થાનો, ભીડવાળા સ્થળોએ હુમલા કરી ભાગફોડ તથા હિંસા કરે તેવી શકયતા રહેલી છે. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી શ્રી જે.આર.ડોડીયા, જિલ્લા મેજીસ્ટ્રેટદેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં આવેલ ૨૧ ટાપુઓ જેવા કે (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોદ્યાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ (ક્રમ ૧ થી ૫ મહેસુલી હકુમત ખંભાળીયા, ૬ થી ૮ મહેસુલી હકુમત કલ્યાણપુર, ૯ થી ૨૧ મહેસુલી હકુમત દ્વારકા)  ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેના ઉપરી મેજીસ્ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.૦૮/૦૭/૨૦૧૮ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંદ્યન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

ભાણવડઃ મધ્યાહન ભોજન સંચાલક/રસોયા/ મદદનીશ માટે અરજી કરવી

દેવભૂમિ દ્વારકા  ભાણવડ તાલુકાના ભરતપુર પ્રા.શાળા, બાપુની વાવ પ્રા.શાળા ટીંબડી, મોટા કાલાવડ વા.શાળા-૪, ધારાગર પ્રા.શાળા, શિવા વા.શા., ફતેપુર વા.શાળા, જશાપર વાડી શાળા, મોટા કાલાવડ વા.શા.૩, જપર વા.શાળા(રાણપર) જેપુર વા.શાળા (શેઢાખાઇ) સાંઢીયા વા.શાળા (ઢેબર) કેન્દ્રો પર ચાલુ શૈક્ષણિક સત્રથી કેન્દ્ર સંચાલક/રસોયા/મદદનીશની નિંમણુંક કરવાની થાય છે. રસ ધરાવતા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો સાથે તા.૨૮ના સવારે ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી ભાણવડ ખાતે હાજર રહેવું.  મામલતદાર ભાણવડની યાદીમાં જણાવાયું છે.

 લદ્યુમતિ જાતિઓની પરંપરાગત કલાને પ્રોત્સાહન  માટે ઉસ્તાદ સન્માન યોજના

દેવભૂમિ દ્વારકા  ભારત સરકારના અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા લધુમતિ જાતિઓની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા માટે ઉસ્તાદ સન્માન-૨૦૧૮ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની વિગતવાર જાહેરાત અલ્પસંખ્યક મંત્રાલયની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભ લેવા ઇચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લધુમતિ પૈકી-મુસ્લીમ, ઇસાઇ, જૈન, બૌધ્ધ, પારસી અને શિખ જાતિનાં ૩૦ વર્ષથી વધુ ઉમરના તથા તા.૩૧-૧૨-૨૦૧૭ના રોજ ૧૦(દસ) વર્ષનો અનુભવ ધરાવતા કલા કારીગરોએ તા.૨૧સુધામાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમુનો અલ્પસંખ્યક મંત્રાલયની વેબસાઇટ   www.minoriyaffairs.gov.in પરથી મળી શકશે. તેમજ ભરેલ ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા) દેવભૂમિ દ્વારકાની કચેરીઅં મોકલી આપવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(11:46 am IST)