Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

માળીયા મિંયાણા પાસે ડ્રાઇવરની હત્યા અને ત્રણ લુંટની ઘટનામાં તપાસનો ધમધમાટ

લુંટારૂ ટોળકીના સાગ્રીતો ગુજરાતી અને ભાંગ્યું તુટયું હિન્દી બોલતા'તા

રાજકોટ તા.૧૬: માળીયા મિંયાણાના વાધરવા ગામ પાસે હાઇવે પર પરમદિ રાત્રે લુંટારૂ ટોળકીએ આતંક મચાવી લુંટના ઇરાદે ટ્રક ડ્રાઇવરની હત્યા અને ત્રણ લુંટની ઘટનામાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

ચકચારી લુંટ વિથ મર્ડર મામલે પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે જેમાં યુપીના રહેવાસી સિકંદર પાલે ફરીયાદ નોંધાવી છે કે નવ અજાણ્યા શખ્સોએ તેની સાથે રહેલા ડ્રાઇવર સુખારામ પાલ પાસેથી મોબાઇલ કિમત રૂ. ૧૦૦૦ની લુંટ ચલાવી તેણે માર મારી મોત નીપજાવ્યું છે જયારે અન્ય ફરીયાદમાં જશા ભીમા રબારી રહે. કચ્છ વાળાએ ફરીયાદ નોંધાવી છેકે નવ થી ૧૦ અજાણ્યા શખ્સોએ તેણે તથા અન્ય ટ્રક ચાલકને ઝાળીમાં લઇ જઇને બાંધીને એક પાસેથી ૧૦,૦૦૦ રોકડ તેમજ અન્ય પાસેથી ૩૦,૦૦૦ અને ૨૦,૦૦૦ તેમજ ૫૦૦ મળીને ૬૦,૫૦૦ની રોકડની લૂંટ ચલાવી છે. માળીયા પોલીસે લુંટ ઉપરાંત અન્ય લુંટ વિથ મર્ડરનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

બનાવ અંગે તપાસનીશ માળીયા મિંયાણાના પીએસઆઇ જે.ડી. ઝાલાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે લુંટવિથ મર્ડર અને અન્ય બે લુંટની ઘટનામાં શંકાસ્પદ નવ શખ્સોની પુછપરછ હાથ ધરાઇ છે. એલસીબી અને એસ.ઓ.જી. દ્વારા પણ શંકાસ્પદ શખ્સોની પુછતાછ હાથ ધરાઇ છે.

લુંટારૂઓ ગુજરાતી અને ભાંગ્યું તુટયું હિન્દી બોલતા હતા. લુંટારુ ટોળકી અન્ય જીલ્લાની હોવાની શંકા છે. તેમજ લોકો પરપ્રાંતિય શખ્સો અંગે પણ તપાસ હાથધરાઇ છે.

(11:38 am IST)