Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

'નુહ કાલી ચીની લેકે આ રહી હૈ' મેસેજ મોકલતા જ કરોડોનું હેરોઈન ઝડપાયું: દેવભૂમિ દ્વારકા એસઓજીને પ્રથમ બાતમી મળી'તી

ઝડપાયેલા શખ્સોનો કોરોના ટેસ્ટ બાદ રિમાન્ડ મંગાશે

(કૌશલ સવજાણી દ્વારા)  ખંભાળીયા, તા., ૧૬: ભારતના પંજાબ રાજયમાં ડ્રગ્ઝની ખુબ જ માંગ રહેતી હોય તથા કરોડોના ડ્રગ્ઝનો કાળો કારોબાર પાકિસ્તાનથી વહાણવટાની આડમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉતારીને ત્યાંથી મેઇન ડીલર પંજાબ માલ મોકલતો હોવાનું રેકેટ ચાલતુ રહેતુ હોય એકાદ માસ પહેલા આ બાબતે માલનો મોટો જથ્થો આવ્યાની સંભાવના પરથી એટીએસના ડીવાયએસપી ભાવેશ રોઝીયા દ્વારા દ્વારકા એસ.ઓ.જી. તથા કચ્છ પશ્ચિમ એસ.ઓ.જી.ને સાવધાન કરાઇ હતી.

દ્વારકા જીલ્લા પોલીસવડા શ્રી સુનીલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઇ એ.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા ટાપુઓમાં તથા બાતમીદારોમાં વોચ ગોઠવાઇ હતી તથા એકાદ માસથી આ અંગે તપાસ ચાલુ હતી. ત્યારે કેટલાક કોડવર્ડમાં સંદેશા આવ્યા જેમાં એક 'નુહ કાલી ચીની લેકે આ રહી હૈ' આ સંદેશો પણ હતો તથા કોડવર્ડમાં 'કાલી ચીની' ને કયાં લઇ જવી તેના નિર્દેશો હતા!!

'નુહ' બોટમાંથી કુલ આઠ પાકિસ્તાનના કરાંચીમાં રહેતા વ્યકિતઓ પકડાયા હતા જેમાં યામીન હાજી ઉંમર લારા ઉ.૬૩ રહે. ઇબ્રાહેદરી તા. મલીય પાકિસ્તાન, મુર્તજા, યામીન ઉ.૭પ મુસ્તફા યામીન ઉ.પ૩ નસુરૂલ્યા યામીન ઉ.ર૮, સાલેમામદ અબ્દુલા ઉ.૭૦, હુસેન ઇબ્રાહીમ, રફીક આમદ બંગાલી તથા મહંમદ યામીન ઉ.૩૯ વાળાને પકડી લેવાયા છે.

એ.ટી.એસ. તથા દ્વારકા એસ.ઓ.જી. તથા કયા પશ્ચીમ એમ.ઓ.જી. દ્વારા આ તમામ પકડાયેલા પાકિસ્તાનીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે  તથા આ તમામનો કોરોના ટેસ્ટ કરાવીને પછી રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

મુખ્ય તપાસનીશ અધિકારીશ્રી ભાવેશ રોઝીયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ કરોડોના હેરોઇનનો જથ્થો કચ્છમાં ઉતારીને ત્યાંથી મેઇન ડિલર દ્વારા રસ્તા માર્ગે પંજાબ જવા આયોજન હતું જેનો પર્દાફાશ થતા દરિયામાં જખૌથી ૪૦ નોટીકલ માઇલ દુર દરિયમાંજ આ જથ્થો પકડાઇ ગયો હતો જેમાં મુળ ડિલીવરી એજન્ટ સુથી પહોંચાડવા પણ તપાસ હાથ ધરી છે.

પાકિસ્તાનથી આવતા ૩૦૦ કરોડના હેરોઇનના જથ્થાની સૌ પ્રથમ બાતમી દ્વારકા એસ.ઓ.જી.ને મળતા તથા તેમના સંકલનથી ૩૦૦ કરોડનો જથ્થો પકડવાનું સફળ ઓપરેશન થતા દ્વારકા એસ.ઓ.જી ટીમ તથા દ્વારકા પોલીસ સમગ્ર રાજયમાં પ્રશંસાપાત્ર બની છ.

(1:06 pm IST)